Mumbai Rains Updates: મુંબઈમાં અવિરત વરસાદ વચ્ચે પાણીનું સ્તર ૧,૪૫,૦૮૦ મિલિયન લિટરની પૂર્ણ ક્ષમતાએ પહોંચતાં બીએમસીએ તાનસા ડેમના તમામ ૩૮ દરવાજા ખોલી નાખ્યા
તાનસા ડેમના બધા જ ગેટ ખોલવામાં આવ્યા
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ (Mumbai)માં ભારે વરસાદ (Mumbai Rains Updates) પડી રહ્યો છે, જેના કારણે શહેર લગભગ ઠપ્પ થઈ ગયું છે અને સાથે જ તેના જળાશયોમાં પાણીનું સ્તર પણ વધી ગયું છે. બુધવારે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ તાનસા ડેમ (Tansa dam)ના બધા ૩૮ દરવાજા ખોલી નાખ્યા હતા.
આજે બુધવારે તાનસા ડેમ (Tansa dam all gates opened)નું પાણી ભયના નિશાનને વટાવી ગયું હતું. ૧૪૫,૦૮૦ મિલિયન લિટરની સંગ્રહ ક્ષમતા ધરાવતું જળાશય સંપૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયું હતું એટલે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તાનસા ડેમના બધા ૩૮ દરવાજા ખોલી દીધા હતા. પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ચોવીસ કલાકમાં કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પ્રવાહમાં વધારો થયો છે. જેના કારણે ડેમની સલામતી જાળવવા અને ડાઉનસ્ટ્રીમ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પાણી છોડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બીએમસીના ડેટા અનુસાર, શહેરના પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડતા સાત તળાવોમાં બુધવારે બપોર સુધીમાં સંચિત પાણીનો જથ્થો ઝડપથી વધીને ૯૫.૧૨ ટકા થયો હતો, જે એક દિવસ પહેલા નોંધાયેલા ૯૨.૪૨ ટકાથી વધુ હતો.
તાનસા ઉપરાંત, મુંબઈને પાણી પૂરું પાડતા અન્ય જળાશયોમાં પણ પાણીના સ્તરમાં વધારો જોવા મળ્યો છે. ૨૦ ઓગસ્ટ સુધીમાં, બધા જળાશયોમાં કુલ પાણીનો જથ્થો ૧,૩૧૯,૬૪૦ મિલિયન લિટર હતો, જે કુલ ક્ષમતાના ૯૫.૧૨ ટકા હતો.
મોડક સાગર (Modak Sagar)માં પહેલેથી જ ૧૦૦ ટકા, મધ્ય વૈતરણા (Middle Vaitarna)માં ૯૮.૬૯ ટકા, અપર વૈતરણામાં ૯૧.૫૧ ટકા, ભાતસા (Bhatsa)માં ૯૩.૧૯ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે વિહાર (Vihar) અને તુલસી (Tulsi) બંનેમાં પણ ૧૦૦ ટકા પાણીનો જથ્થો છે.
આ પહેલા સોમવારે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાંનું એક વિહાર તળાવ બપોરે ૨.૪૫ વાગ્યે ઓવરફ્લો થઈ ગયું હતું એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું. વિહાર લેકની કૅપેસિટી ૨૭,૬૯૮ મિલ્યન લીટર છે.
છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાં થતા વરસાદને લીધે મુંબઈને પાણી પૂરું પાડતાં સાતમાંથી ૬ જળાશયો હવે છલકાઈ ગયાં છે.
તમને જણાવી દઈએ કે, મુંબઈ અને ઉપનગરને BMC દરરોજ અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવોમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે. તાનસા સાથે નીચલા મોડક સાગર, મધ્ય અને ઉપલા વૈતરણા તળાવો, દહિસર ચેક નાકાથી બાંદ્રા સુધીના પશ્ચિમ ઉપનગરોને અને માહિમથી મલબાર હિલ સુધીના શહેરના પશ્ચિમ ભાગોને પાણી પૂરું પાડે છે. ભાતસા, વિહાર અને તુલસી મળીને ભાતસા સિસ્ટમ બનાવે છે. આ સિસ્ટમમાંથી પાણીને પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે અને મુંબઈના પૂર્વીય ભાગોમાં વિતરણ કરવામાં આવે છે. જે મુલુંડ ચેક નાકાથી સાયન અને આગળ માઝગાંવ સુધીના પૂર્વીય ઉપનગરોને આવરી લે છે.

