Mumbai Rains Updates: સોશ્યલ મીડિયા પર ફરતા ‘પૂરગ્રસ્ત’ મુંબઈ એરપોર્ટની તસવીરો ફૅક હોવાની સૂત્રોએ જણાવ્યું; મુંબઈ એરપોર્ટ પર પાણી નથી ભરાયું અને એરપોર્ટ સામાન્ય રીતે કાર્યરત છે
આ તસવીરો સોશ્યલ મીડિયા પર થઈ રહી છે વાયરલ
છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ (Mumbai) શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી ઓછી દૃશ્યતાને કારણે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર અનેક ફ્લાઇટની કામગીરી પ્રભાવિત થઈ છે. ગો-અરાઉન્ડ, ડાયવર્ઝન અને વિલંબ ઉપરાંત, એરપોર્ટ પર પાણી ભરાઈ (Mumbai Rains Updates) ગયા હોવાના અનેક દાવાઓ સોશ્યલ મીડિયા પર સામે આવ્યા છે. સોશ્યલ મીડિયા પર ફરતા ‘પૂરગ્રસ્ત’ મુંબઈ એરપોર્ટની તસવીરો ફૅક છે, તેથી મુસાફરોએ ચિંતા કરવાની જરુર નથી તેવું સૂત્રોએ જણાવ્યું છે.
સોશ્યલ મીડિયા (Social Media) પર મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હોવાના અનેક દાવાઓ સામે આવ્યા છે. મુંબઈ એરપોર્ટનો એક વીડિયો જે વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યો છે તેમાં એરપોર્ટનો ટેક્સીવે સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે, કામદારો પાણીમાં વિમાનની આસપાસ ફરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport)નો હોવાનો સંકેત આપતા કેપ્શન સાથે ફરતો થઈ રહ્યો છે. સાથે જ આ વાયરલ વીડિયો (Viral Videos)માં મુંબઈ એરપોર્ટે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાંથી બચવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
જોકે, એરપોર્ટના સૂત્રોએ મિડ-ડેને જણાવ્યું હતું કે આવું કોઈ પૂર આવ્યું નથી અને એરપોર્ટ હજી પણ કાર્યરત છે. સૂત્રો એમ પણ કહે છે કે, જે વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે તે ગત વર્ષનો હોઈ શકે છે. જે મુંબઈ એરપોર્ટનો નહીં પણ ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport)નો હોઈ શકે છે, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી.
વાયરલ વીડિયોમાં દેખાતું એક ખાસ એરપોર્ટ સાઇનબોર્ડ પણ મુંબઈ એરપોર્ટનું નથી.
એરપોર્ટના સૂત્ર દ્વારા ઉઠાવવામાં આવેલ બીજો મહત્વનો મુદ્દો એ હતો કે, મુંબઈ એરપોર્ટે લગભગ વર્ષ ૨૦૧૦ થી ટ્રેક્ટરનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને ફક્ત ટગનો ઉપયોગ કરે છે, પરંતુ વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર દ્વારા મુસાફરોની સીડી ખેંચાતી જોવા મળે છે.
જોકે આ બાબતે હજી સુધી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓ (Mumbai International Airport authorities)એ કોઈ કમેન્ટ નથી કરી. મિડ-ડેએ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.
તમને જણાવી દઈએ કે, આજે સવારે ૮.૨૬ વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર લગભગ ૨૧ ફ્લાઇટ્સ મોડી પડી, બે રદ કરવામાં આવી અને ૪૦ થી વધુ ફ્લાઇટ્સ સમયપત્રકથી મોડી ચાલી.
નોંધનીય છે કે, મુંબઈમાં ચોમાસાના પ્રકોપને કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અને ત્યાંથી ફ્લાઇટ્સનું સંચાલન ગઈકાલે અમુક સમય માટે ઠપ્પ થયું હતું. શહેરમાં પાણી ભરાવા અને ટ્રાફિકને કારણે ઘણી એરલાઇન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી, જેમાં તેમને અગાઉથી મુસાફરીનું આયોજન કરવા જણાવ્યું હતું. ૧૧ કલાકમાં લગભગ ૨૦૦ મીમી વરસાદ પડ્યા બાદ, મુંબઈમાં પાણી ભરાઈ ગયા અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે ઈન્ડિગો (IndiGo), સ્પાઈસજેટ (SpiceJet), અકાસા એર (Akasa Air) અને એર ઈન્ડિયા (Air India)એ એડવાઇઝરી જાહેર કરી છે.

