કોસ્ટલ રોડ પર ૧૦ દિવસમાં ૧૨૦ મોટરિસ્ટોને દંડ
કોસ્ટલ રોડ
મુંબઈનો ટ્રાફિક સરળતાથી ચાલતો રહે, ટ્રાફિક જૅમમાં અટવાવું ન પડે અને સાથે જ સમય તથા ઈંધણની બચત થાય એ ઉદ્દેશ સાથે કોસ્ટલ રોડ બનાવવામાં આવ્યો છે. જોકે એ રોડ પર પણ હવે ટ્રાફિકના નિયમનો ભંગ થતો હોવાનું જણાઈ આવ્યું છે. ખાસ કરીને સ્પીડલિમિટનું મોટરિસ્ટો પાલન કરતા નથી. ૧૭થી ૨૬ જુલાઈના ૧૦ દિવસના સમયગાળામાં ૧૨૦ મોટરિસ્ટો કોસ્ટલ રોડની ટનલમાં સ્પીડલિમિટ કરતાં વધુ ઝડપે તેમની કાર ચલાવતા પકડાયા હતા. સ્પીડલિમિટ ક્રૉસ કરનારાઓ પાસેથી ૨૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે છે.
કોસ્ટલ રોડની ટનલમાં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડલિમિટ છે, જ્યારે કોસ્ટલ રોડ પર ૮૦ કિલોમીટરની સ્પીડલિમિટ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
કુલ ૨૩૬ કૅમેરા
મોટરિસ્ટોની સુરક્ષા અને કંઈ થાય તો તરત જ મદદ પહોંચાડી શકાય એ માટે આખા રોડ પર અલગ-અલગ જાતના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરા બેસાડવામાં આવ્યા છે. એમાં ઍક્સિડન્ટ લોકેટ કરે, વૉચ રાખે, વાહનોની ગણતરી કરે, વાહનોની સ્પીડલિમિટ નોંધે અને જે વેહિકલ સ્પીડલિમિટ ક્રૉસ કરે એનો ફોટો પણ લે એવી ગોઠવણ સાથેના કૅમેરા આખા રસ્તા પર લગાવવામાં આવ્યા છે. કુલ ૨૩૬ કૅમેરા આખા રોડ પર લગાવવામાં આવ્યા છે.
૯ ઍક્સિડન્ટ
કોસ્ટલ રોડ માર્ચ ૨૦૨૪થી તબક્કાવાર ચાલુ કરવામાં આવ્યો છે અને એના પર ૯ ઍક્સિડન્ટ થયા છે. કારમાં આગ લાગી હોવાની ઘટના પણ બની છે. ઍક્સિડન્ટમાં લોકો ઘાયલ પણ થયા છે. મોટા ભાગના અકસ્માત ઓવરસ્પીડને કારણે થયા છે.

