રિક્ષામાં નાયગાંવથી ભાઈંદર જતી વખતે દુકાનદારે અડપલાં કરતાં સગીરા અને તેના બૉયફ્રેન્ડે માથામાં પથ્થર અને લાદી ફટકારીને વેપારીને મારી નાખ્યો
પ્રતીકાત્મક તસવીર
રિક્ષામાં નાયગાંવથી ભાઈંદર જતી વખતે દુકાનદારે અડપલાં કરતાં સગીરા અને તેના બૉયફ્રેન્ડે માથામાં પથ્થર અને લાદી ફટકારીને વેપારીને મારી નાખ્યો
૧૬ વર્ષની કિશોરીએ તેના ૧૭ વર્ષના બૉયફ્રેન્ડ સાથે મળીને કરિયાણાની દુકાન ધરાવતા ૭૫ વર્ષના વેપારીની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનમાં બની હોવાનું જાણવા મળ્યું હતું. કિશોરી કરિયાણાની દુકાનમાં કામ કરતી હતી અને દુકાનના માલિકે તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી તેની હત્યા કરીને તેનો મૃતદેહ ઝાડીઓમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભાઈંદર-વેસ્ટમાં આવેલા ઉત્તનમાં બાલેપીર શાહ દરગાહ નજીકથી બાવીસ ફેબ્રુઆરીએ એક વ્યક્તિનો માથું છૂંદાયેલો અને થોડો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
૧૩ માર્ચ સુધી પોલીસને કોઈ કડી નહોતી મળી. ૧૩ માર્ચે નાયગાંવમાં રહેતા કિશોર મિશ્રાએ પોલીસમાં તેના પિતા બ્રિજમોહન ૨૦ દિવસથી ગાયબ હોવાની ફરિયાદ નાયગાંવ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. મિસિંગની ફરિયાદમાં આપવામાં આવેલી માહિતી ઉત્તનમાંથી મળી આવેલા મૃતદેહ સાથે મૅચ થતી હોવાનું જણાયા બાદ ઉત્તન સાગરી પોલીસે બાલેપીર શાહ દરગાહ અને આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એમાં એક કિશોરી સાથે બ્રિજમોહન મિશ્રા ૧૫ ફેબ્રુઆરીએ ઑટોમાં જતા હોવાનું જણાયું હતું. કિશોરીએ તેના ૧૭ વર્ષના ફ્રેન્ડ સાથે મળીને બ્રિજમોહન મિશ્રાની હત્યા કરી હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે મંડલ અટક ધરાવતી કિશોરી અને ગુપ્તા અટક ધરાવતા તેના બૉયફ્રેન્ડની ૧૬ માર્ચે ધરપકડ કરી હતી.
પોલીસ શું કહે છે?
ઉત્તન સાગરી પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ શિવાજી નાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી કિશોરીએ હત્યા કરવાનો ગુનો કબૂલ્યો છે. તેણે કહ્યું છે કે તે બ્રિજમોહન મિશ્રાની નાયગાંવમાં આવેલી કરિયાણાની દુકાનમાં કામ કરતી હતી. ૧૫ ફેબ્રુઆરીએ તે નાયગાંવથી ઉત્તન ઑટોમાં આવી રહી હતી ત્યારે બ્રિજમોહન મિશ્રાએ તેનું શારીરિક શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આથી તેણે તેના બૉયફ્રેન્ડને ફોન કરીને બોલાવ્યો હતો. રિક્ષામાંથી ઊતરી ગયા બાદ કિશોરી અને તેના બૉયફ્રેન્ડે બ્રિજમોહન મિશ્રાના માથામાં પથ્થર અને લાદી ફટકારીને હત્યા કરી નાખી હતી. પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને ઝાડીમાં ફેંકી દીધો હતો અને પલાયન થઈ ગયાં હતાં. શારીરિક અડપલાંને લીધે આ હત્યા કરવામાં આવી હતી.’

