Vasai Building Collapsed: પાલઘર જીલ્લાના વસઈમાં મોડી રાત્રે ચાર માળની ઈમારતનો પાછળનો ભાગ ધરાશાયી થયો; ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં બે લોકોના મોત અને નવ ઘાયલ થયા હોવાના અહેવાલ; બચાવ કામગીરી ચાલુ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન, NDRF ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર હાજર
- અત્યાર સુધીમાં ૧૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, હૉસ્પિટલમાં સારવાર હેઠળ
- ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે
મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar) જિલ્લાના વસઈ (Vasai)માં એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઘાયલ થયા છે. દુર્ઘટના સ્થળે (Vasai Building Collapsed) બચાવ કામગીરી ચાલુ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, વસઈના નારંગી રોડ (Narangi Road) પર સ્થિત ચાર માળના રમાબાઈ એપાર્ટમેન્ટ (Ramabai Apartment)નો પાછળનો ભાગ બુધવારે રાત્રે ૧૨.૦૫ વાગ્યે આસપાસની ચાલ પર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને નવ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોને મુંબઈની બહાર આવેલા વિરાર (Virar) અને નાલાસોપારા (Nalasopara)ની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (Vasai-Virar City Municipal Corporation - VVMC)ના અધિકારીએ જણાવ્યું હતું કે, બચાવકર્તાઓએ અત્યાર સુધીમાં ૧૧ વ્યક્તિઓને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે, જેમાંથી કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
વીવીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (National Disaster Response Force - NDRF)ની બે ટીમો અકસ્માત સ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક માહિતીનો ઉલ્લેખ કરતા, પાલઘરના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી (District Disaster Management Officer) વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ બાજુની ચાલ પર પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઘણા રહેવાસીઓ કાટમાળ નીચે ફસાયા હતા.
વિવેકાનંદ કદમે વધુ જણાવ્યું હતું કે, ‘કમનસીબે અમે ૨૪ વર્ષની આરોહી ઓમકાર જોવિલ અને ૧ વર્ષની ઉત્કર્ષ જોવિલને ગુમાવી દીધા છે. બંને કાટમાળ નીચે બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને હોસ્પિટલમાં પહોંચ્યા પછી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અત્યારે અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે કોઈ કાટમાળ નીચે ફસાય નહીં. અમે અદ્યતન સાધનો અને પ્રશિક્ષિત બચાવ કર્મચારીઓનો ઉપયોગ કરીને શોધ કામગીરી ચાલુ રાખી રહ્યા છીએ.’
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીડને નિયંત્રિત કરવા અને ચાલુ પ્રયાસોને સરળ બનાવવા માટે સ્થળની આસપાસ એક કામચલાઉ બેરિકેડ બનાવવામાં આવી છે. સ્ટ્રક્ચરલ એન્જિનિયરો વધુ જોખમ માટે ઇમારતના બાકીના ભાગોનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે.
‘અમે નજીકની ઇમારતોની માળખાકીય સ્થિરતા અને પતનના કારણનું મૂલ્યાંકન કરવા માટે મ્યુનિસિપલ અધિકારીઓ સાથે પણ કામ કરી રહ્યા છીએ. સાવચેતી તરીકે નજીકના બાંધકામોના રહેવાસીઓને અસ્થાયી રૂપે ખાલી કરાવવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે.’, એમ વિવેકાનંદ કદમે ઉમેર્યું હતું.
ફાયર વિભાગ (Fire Department) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે ટીમો અકસ્માત સ્થળે દોડી ગઈ હતી. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે.

