જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સામાન્ય રીતે દિવસે ૩૧ ડિગ્રી અને રાતે ૧૮ ડિગ્રી તાપમાન રહે છે એની સામે ગઈ કાલે દિવસ દરમ્યાન પારો ૩૬ ડિગ્રીએ પહોંચ્યો હતો
ફાઇલ તસવીર
મુંબઈમાં ગઈ કાલે ભરશિયાળે અચાનક સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવતા મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં દિવસે ૩૧ ડિગ્રી તો રાતે ૧૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. ગઈ કાલે રાતના તાપમાનમાં ખાસ કોઈ ફરક નહોતો રહ્યો, પણ દિવસનું તાપમાન સામાન્ય કરતાં ૫.૨ ડિગ્રી વધારે રહ્યું હતું જેને કારણે ગઈ કાલે દિવસ દરમ્યાન ઉનાળા જેવી ગરમી અનુભવાઈ હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક પણ આવું જ હવામાન રહેવાની આગાહી કરી છે એટલે કે આજે પણ સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાશે. જોકે તાપમાનમાં વધારો થવાથી ધુમ્મસમાં ઘટાડો થવાની સાથે ઍર ક્વૉલિટીમાં સુધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું કે ગઈ કાલે સાંતાક્રુઝમાં મહત્તમ ૩૬ ડિગ્રી તો કોલાબામાં ૩૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાતે અનુક્રમે ૧૬.૭ ડિગ્રી અને ૨૧.૫ ડિગ્રી પારો નોંધાયો હતો. સાંતાક્રુઝમાં દિવસ અને રાતના તાપમાનમાં ડબલથી વધારેનો તફાવત રહ્યો હતો એટલે દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે.