Mumbai Weather Updates: હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર; શહેરમાં વાદળછાયું આકાશ રહેશે; સાથે જ ભારે વરસાદની આગાહી; મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં તળાવોનું સ્તર ૬૭.૮૮ ટકા પહોંચ્યું
તસવીર સૌજન્ય : મિડ-ડે
મુંબઈ (Mumbai)માં બે દિવસ ભારે વરસાદ બાદ આજ સવારથી વરસાદની ગતિ થોડી ધીમી પડી છે. જોકે, મુંબઈમાં વરસાદ હજી પણ ચાલુ (Mumbai Weather Updates) જ છે. હવામાન વિભાગે શહેરમાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ વાદળછાયું આકાશ રહેશે અને ભારે વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department - IMD) મુજબ, મુંબઈમાં ચોમાસાની ગતિવિધિઓ સતત ચાલુ રહેવાની શક્યતા છે. જેમાં સોમવારે સામાન્ય રીતે વાદળછાયું આકાશ, પવન ફૂંકાતા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. શહેરમાં બુધવાર સુધી વ્યાપક વરસાદની અપેક્ષા છે, જે અઠવાડિયાના મધ્ય સુધીમાં વધુ વ્યાપક બનશે, જેમાં મધ્યમથી ભારે વરસાદ પડશે, સાથે જ છૂટાછવાયા વિસ્તારોમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ADVERTISEMENT
મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ ૨૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે, જે સામાન્ય ચોમાસાની સ્થિતિ સાથે સુસંગત છે. સોમવારે શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
સોમવારે સવારે ૧૦:૦૪ વાગ્યે મુંબઈમાં ૩.૭૦ મીટરની ઊંચી ભરતી અને રાત્રે ૯:૩૬ વાગ્યે ૩.૧૬ મીટરની બીજી ભરતી આવવાની ધારણા છે. સાંજે ૪:૦૬ વાગ્યે ૨.૪૦ મીટરની નીચી ભરતી આવવાની આગાહી છે, જ્યારે આગામી નીચી ભરતી, જે ૮ જુલાઈએ સવારે ૩:૪૩ વાગ્યે આવવાની છે, તે આશરે ૧.૧૨ મીટરની હશે.
શહેરમાં વરસાદની વાત કરીએ તો, રવિવારે સવારે ૮.૦૦ વાગ્યાથી સોમવારે સવારે ૮.૦૦ વાગ્યા સુધી મુંબઈમાં ૭ મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વીય ઉપનગરોમાં ૨૮ મીમી અને પશ્ચિમી ઉપનગરોમાં ૨૩ મીમી વરસાદ પડ્યો હતો. આ વરસાદનું સ્તર આ પ્રદેશમાં લાક્ષણિક ચોમાસાની પેટર્નને પ્રતિબિંબિત કરે છે અને વરસાદની તીવ્રતામાં કોઈપણ વધારા માટે હવામાન વિભાગ દ્વારા નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪.૦૦ મીમી વરસાદ પડ્યો છે, જે સાથે કુલ વરસાદ હવે ૬૭૪.૦૦ મીમી થયો છે.
અત્યાર સુધી શહેરમાં પડેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં તળાવોનું સ્તર ૬૭.૮૮ ટકા પહોંચ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation - BMC)ના ડેટા મુજબ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં સોમવારે કુલ પાણીનો જથ્થો ૯,૮૨,૪૧૩ મિલિયન લિટર સુધી પહોંચી ગયો હતો. જે આ સિઝન માટે જરૂરી કુલ પાણીના સ્ટોકના ૬૭.૮૮ ટકા છે. તમને જણાવી દઈએ કે, મુંબઈને તુલસી (Tulsi), તાનસા (Tansa), વિહાર (Vihar), ભાતસા (Bhatsa), મોડક સાગર (Modak Sagar), અપર વૈતરણા (Upper Vaitarna) અને મધ્ય વૈતરણા (Middle Vaitarna)માંથી પાણી પુરું પાડવામાં આવે છે.

