ઑક્ટોબર હીટનો ખરો પરચો ભોગવી રહ્યા છે મુંબઈગરાઓ
પ્રતીકાત્મક તસવીર
ભારે ગરમીનો સામનો કરી રહેલા મુંબઈગરાઓએ આગામી દિવસોમાં પણ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે એવું હવામાન ખાતાનું કહેવું છે. હવામાન ખાતાના સાંતાક્રુઝ-મથક અનુસાર આજે અને કાલે પણ શહેરમાં ગરમ તથા ભેજવાળું વાતાવરણ રહેશે. તેમણે જણાવ્યા અનુસાર ગઈ કાલે ૩૮ ડિગ્રી સેલ્સિયસના તાપમાન સાથે ૧૧ વર્ષનો બીજા નંબરનો સૌથી વધુ તાપમાન ધરાવતો દિવસ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે મુંબઈનું તાપમાન ૩૮.૨ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું, જે આ સમયગાળા દરમ્યાન સૌથી વધુ હોવાનું નોંધાયું હતું.
હાલ હવામાન ખાતા દ્વારા મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. ૮ ઑક્ટોબરથી અત્યાર સુધી ગરમી માટે યલો અલર્ટ ચાલી જ રહી છે. આંકડાઓ અનુસાર હજી ૩ હીટવેવ અલર્ટ આપવામાં આવી છે. મુંબઈમાં તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસને પાર કરે ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે. સામાન્ય તાપમાન કરતાં ૪.૫ ડિગ્રી વધુ હોય ત્યારે આ અલર્ટ જાહેર કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનામાં ૮, ૯, ૧૧ અને ૧૨ તારીખના દિવસ હીટવેવના રહ્યા હોવાનું હવામાન ખાતાનું કહેવું છે.
