છેલ્લા દસકામાં માર્ચ મહિનામાં બીજી જ વાર મેઘરાજા વરસ્યા
બાંદરામાં ગઈ કાલે ઓચિંતો વરસાદ પડ્યો હતો (તસવીર : નિમેશ દવે)
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે બફારા અને ઉકળાટથી ત્રાસેલા મુંબઈગરાને ગઈ કાલે ગરમીમાં થોડી રાહત મળી હતી. ગઈ કાલે સવારે તેમ જ સાંજે મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડતાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. અફકોર્સ, આ વરસાદ કમોસમી હતો, પણ મુંબઈગરાઓ માટે એ ગરમીમાં રાહત લાવ્યો હતો.
વેધશાળાએ આગાહી કરી છે કે હજીયે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાદળાં છવાયેલાં રહેશે અને શનિ-રવિમાં પણ વરસાદનાં ઝાપટાં પડી શકે છે. આ વરસાદને કારણે દિવસના મૅક્સિમમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. ગઈ કાલે કોલાબામાં ૩૪ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રવિવારે નોંધાયેલા ૩૯ ડિગ્રી કરતાં પાંચ ડિગ્રી ઓછું હતું. જોકે શનિ–રવિ બાદ ફરી એક વખત પારો ઉપર જવાની શક્યતા છે. સ્કાયમેટનું કહેવું છે કે મુંબઈમાં માર્ચ મહિનામાં વરસાદ પડવો એ બહુ સામાન્ય ઘટના નથી. છેલ્લાં ૧૦ વર્ષમાં માત્ર ૨૦૧૫ના માર્ચ મહિનામાં જ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
મુંબઈ સિવાય રાજ્યમાં અન્ય ઠેકાણે પણ ગઈ કાલે વરસાદ પડ્યો હતો. પુણેમાં ગઈ કાલે બપોરના સમયે વરસાદનાં જોરદાર ઝાપટાં પડ્યાં હતાં. જોકે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે અને તેમનો ઊભો પાક ખરાબ થઈ જવાથી તેમને આર્થિક નુકસાન પણ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.

