સતત ૧૧ કલાક ૧૫ મિનિટના સ્વિમિંગ બાદ તે બપોરે ૩.૧૫ વાગ્યે ધનુષકોડીના અરિચલમુનાઈ પૉઇન્ટ પર પહોંચી હતી
ઈશ્વરી સંપૂર્ણપણે જોઈ ન શકતી હોવા છતાં આ સાહસ ખેડનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની ગઈ છે.
મહારાષ્ટ્રના નાગપુરની ૧૭ વર્ષની જોઈ ન શકતી સ્વિમર ઈશ્વરી પાંડેએ સોમવારે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્ક સ્ટ્રેટ (પાલ્ક સામુદ્રધુની) સફળતાપૂર્વક પાર કરીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. આ સાથે જ ઈશ્વરી સંપૂર્ણપણે જોઈ ન શકતી હોવા છતાં આ સાહસ ખેડનારી વિશ્વની પ્રથમ સ્વિમર બની ગઈ છે.
ઈશ્વરીએ સોમવારે પરોઢિયે ૪ વાગ્યે શ્રીલંકાના તલાઈમન્નાર નજીક ઉરમાલાઈ પૉઇન્ટથી પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સમુદ્રના તોફાની પ્રવાહ, ભરતી-ઓટના પડકારો અને ઝેરી જેલી ફિશનાં જોખમો વચ્ચે સતત ૧૧ કલાક ૧૫ મિનિટના સ્વિમિંગ બાદ તે બપોરે ૩.૧૫ વાગ્યે ધનુષકોડીના અરિચલમુનાઈ પૉઇન્ટ પર પહોંચી હતી.
ADVERTISEMENT
જન્મથી જ દૃષ્ટિહીન હોવા છતાં ઈશ્વરીએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને માનસિક મજબૂતીના જોરે આ સિદ્ધિ હાંસલ કરી છે. કમલેશ અને અરુણા પાંડેની પુત્રી ઈશ્વરીએ તેના આંતરરાષ્ટ્રીય કોચ સંજય બટવેના માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે. આ ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન નાગપુરના શાર્ક ઍક્વેટિક સ્પોર્ટિંગ અસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. તેની આ સફર દરમ્યાન નિષ્ણાત તરવૈયાઓની ટીમ તેની સાથે રહી હતી. એમાં ભાવિ રાજગીરે, ઇશાંત પાંડે, સંદીપ વૈદ્ય, નીરવ પંડ્યા અને ડૉ. અભય રાજગીરેનો સમાવેશ થાય છે.
