Navi Mumbai Fire: ઇલેક્ટ્રિક બસના રીપેરીંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયું હશે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે એવા અનુમાન છે.
આગની પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મહાનગરપાલિકા (Navi Mumbai Fire)ના ઘણસોલી બસ ડેપોમાંથી આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. સવારે સાત વાગ્યાની આસપાસ આ આગ ફાટી નીકળી હતી. કહે છે કે આગની ઘટનામાં ડેપોમાં પાર્ક કરેલી બસને પણ નુકસાન થયું છે.
આજે સવારે સાત કલાકે ડેપોમાં એક ઇલેક્ટ્રિક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘણસોલી બસ ડેપોમાં પાર્ક કરેલી અન્ય 3 જૂની બસોમાં પણ આગ લાગતાં જ માહોલમાં અફરાતફરી થઈ. આમ, ચાર બસોમાં આગ ફાટી નીકળ્યા બાદ આગને કાબૂમાં લેવા કોપરખૈરાને, વાશી અને નેરુલથી ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી હતી.
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર મોટી દુર્ઘટના ટળી છે. ઇલેક્ટ્રિક બસમાં અચાનક લાગેલી આગ (Navi Mumbai Fire) કયા કારણોસર લાગી હતી તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસ અહેવાલો સૂચવે છે કે ઇલેક્ટ્રિક બસના રીપેરીંગ દરમિયાન શોર્ટ સર્કિટ થયું હશે, જેને કારણે આગ લાગી હોઇ શકે છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, બસો બળીને ખાક થઈ જવાને કારણે પરિવહન વિભાગને મોટું આર્થિક નુકસાન થયું છે.
અહેવાલો અનુસાર નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવહન વિભાગની મહાલક્ષ્મી કંપનીની ૧૧૧ જેટલી ડીઝલ બસને ડેપોની અંદર પાર્ક કરવામાં આવી હતી. હાલમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાંથી આ બસોને કાઢી નાખવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે આ બાબતે કાર્યવાહી ચાલી રહી હોવાને કારણે આ તમામ ડીઝલ બસો અહીં પાર્ક કરાઇ હતી. આમ, ડેપોમાં 111 ડીઝલ ગાડીઓ પણ પાર્ક કરવામાં આવેલ. પરંતુ આ આગની દુર્ઘટનામાં ચાર બસો સિવાય અન્ય કોઈ વાહનને નુકસાન (Navi Mumbai Fire) થયું નથી.
હાલમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિવહન વિભાગ દ્વારા વધુને વધુ પર્યાવરણને અનુકૂળ ઇંધણનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બસ સર્વિસ આપવાનો પ્રયાસ કરી રહી છે. નગરપાલિકાના આ વર્ષના બજેટમાં પરિવહન પહેલએ ઇંધણના ખર્ચને બચાવવા અને આવક વધારવા માટે ઇલેક્ટ્રિક બસોનો મહત્તમ ઉપયોગ કરવાની યોજના વ્યક્ત કરી હતી.
ઇલેક્ટ્રિક બસની બાજુમાં પાર્ક અન્ય ત્રણ બસો પણ ભડથું
અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી અહીં આ બસોની બાજુમાં એક ઇલેક્ટ્રિક બસ પણ પાર્ક કરવામાં આવી હતી. જેમાં આજે સવારે અચાનક આગ (Navi Mumbai Fire) લાગી હતી. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઘણસોલી ડેપો ખાતે ફાટી નીકળેલી આ આગમાં એક ઇલેક્ટ્રિક બસ બળીને ખાખ થઈ ગઈ હતી અને તેની બાજુમાં પાર્ક કરેલી અન્ય ત્રણ જેટલી બસ પણ બળી ગઈ હતી.
થોડા દિવસો પહેલાં બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમને પચાસ ઇલેક્ટ્રિક બસો પૂરી પાડવામાં આવી છે. પણ આ બસોમાં મહત્વપૂર્ણ અગ્નિ સુરક્ષા પ્રણાલીઓનો અભાવ હોવાનું જણાઈ રહ્યું છે.

