Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં બેકાર બનેલા યુવાનો ચોરી કરવા અને ચેઇન આંચકવા લાગ્યા

લૉકડાઉનમાં બેકાર બનેલા યુવાનો ચોરી કરવા અને ચેઇન આંચકવા લાગ્યા

13 June, 2021 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશમાંથી ઝડપેલા ત્રણ યુવાનોએ ૩૭ ગુના કર્યા હોવાનું જણાયું

નવી મુંબઈમાં ચોરી-લૂંટ કરવા બદલ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયેલા આરોપી સાથે પોલીસ અને જપ્ત કરાયેલી વસ્તુઓ.

નવી મુંબઈમાં ચોરી-લૂંટ કરવા બદલ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરાયેલા આરોપી સાથે પોલીસ અને જપ્ત કરાયેલી વસ્તુઓ.


કોરોના મહામારીને લીધે દેશભરમાં લાગુ કરાયેલા લૉકડાઉનને લીધે મોટા ભાગના કામકાજને અસર પહોંચવાથી અનેક લોકોએ નોકરી ગુમાવી હોવાથી તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મુશ્કેલીની આ સ્થિતિમાં લોકો કોઈક રસ્તો કાઢતા હોય છે. જોકે કેટલાક લોકો ગુનેગારીનો રસ્તો અપનાવીને મુસીબતમાં મુકાઈ જતા હોય છે. નવી મુંબઈમાં લૉકડાઉનને લીધે નોકરી ગુમાવનારા ત્રણ યુવકોએ મહિલાઓની ચેઇન આંચકવાની સાથે લોકોના મોબાઇલ ફોન તફડાવવા ઉપરાંત બંધ દુકાનો અને ઘરોમાં હાથસફાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાંથી આ યુવકોની ધરપકડ કરીને તેમની પાસેથી ૨૨ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગૅન્ગે એક વર્ષમાં એક-બે નહીં, ૩૭ ગુના કર્યા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. 

નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૨ની ટીમે બે દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાંથી શાહનવાઝ અસલમ, સમદ અન્સારી અને રોહન ગટ્ટુ નામના ત્રણ આરોપીઓની નવી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ચેઇન અને મોબાઇલ આંચકવાની સાથે ચોરી કરવાના આરોપસર ધરપકડ કરી હતી.



આરોપીઓની પૂછપરછમાં જણાઈ આવ્યું હતું કે નોકરી ગુમાવ્યા બાદ બેકાર હોવાથી તેમણે આવાં કામ કરીને જેલમાં જઈ આવેલા એક યુવક સાથે મળીને આ ગુનાઓ કર્યા હતા. આ તમામ ગુનાનો માસ્ટરમાઇન્ડ તો પોલીસને હાથ નથી લાગ્યો, પરંતુ તેના કહેવાથી ખોટાં કામ કરવા બદલ આ યુવાનો પોલીસમાં ઝડપાઈ ગયા છે.


નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિનકુમાર સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘નવી મુંબઈના પનવેલ, કળંબોલી, ખારઘર, વાશી, નારપોલી, કોનગાંવ, માનપાડા, ભિવંડી ઉપરાંત ડોમ્બિવલી અને વાગળે એસ્ટેટ વગેરે વિસ્તારોમાં છેલ્લા એકાદ વર્ષમાં મહિલાઓની ચેઇન આંચકવાથી લઈને લોકોના મોબાઇલ તફડાવવાની અને બંધ દુકાનો, ઑફિસો અને ઘરોમાં ચોરી થવાની ફરિયાદો મળી હતી. પોલીસ આરોપીઓની પાછળ લાગી હતી. ગૅન્ગનો માસ્ટરમાઇન્ડ ફઝલ કુરેશી રીઢો ગુનેગાર હોવાથી તે પોલીસથી બચવા માટેના નુસખા જાણે છે. ગુનો કર્યા બાદ તમામ તેમના મોબાઇલ બંધ કરી દેતા હતા અથવા નવું સિમ કાર્ડ લેતા હતા. આ કારણસર પોલીસ આરોપીઓની કડી નહોતી મેળવી શકી. જોકે ખબરીઓની મદદથી અમે ત્રણેય આરોપીઓની ઉત્તર પ્રદેશના આઝમગઢ જઈને ધરપકડ કરીને તેમની પાસેથી ૨૨ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી છે. આ ગૅન્ગ સાથે બીજા પણ કેટલાક યુવાનો સંકળાયેલા હોવાની માહિતી મળી છે. ગૅન્ગના માસ્ટરમાઇન્ડની પણ કડી મળી હોવાથી તેને પકડવાના પ્રયાસ હાથ ધરાયા છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2021 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK