મલાડ-કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને ક્વેસ્ટ ફાઉન્ડેશન સાથે મળીને બહુરંગી સેન્ટર ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ (BCPA) દ્વારા સંચાલિત MKES સાંસ્કૃતિક કેન્દ્ર-મલાડની શરૂઆત
લલિત શાહ અને પ્રવીણ સોલંકી
લલિત શાહ અને પ્રવીણ સોલંકીની જોડીએ મલાડ-કાંદિવલી એજ્યુકેશન સોસાયટી અને ક્વેસ્ટ ફાઉન્ડેશનના સહકારથી જગમોહનદાસ ગોકુલદાસ મેમોરિયલ હૉલ, ભવિષ્ય ભારત કૅમ્પસ, એસ.વી. રોડ, મલાડ-વેસ્ટ ખાતે એક સાંસ્કૃતિક કેન્દ્ર વિકસાવવાનું નક્કી કર્યું છે જેમાં દર શનિવારે અને રવિવારે સાંજે ભારતીય સંસ્કૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે.
ગુજરાતી સાહિત્ય-કલાને ઉજાગર કરતી નાટ્યસ્પર્ધા; ગુજરાતી, હિન્દી, મરાઠી ભાષાના સુગમ સંગીતના કાર્યક્રમો, શાસ્ત્રીય સંગીત-નૃત્ય તેમ જ વિવિધ સ્વરૂપને આવરતા સાહિત્યિક કાર્યક્રમો યોજવામાં આવશે. ‘વિશ્વ ગુજરાતી નાટ્ય સંઘ’, ગુજરાતભરના કલાકારો અને કસબીઓએ આ સાંસ્કૃતિક યજ્ઞમાં સંપૂર્ણ સાથ આપવાની સંમતિ દર્શાવી છે.
ADVERTISEMENT
આમ જનતા આવા કાર્યક્રમો માણી શકે એ હેતુથી મલાડ-કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓએ આ સાંસ્કૃતિક કેન્દ્રનું વાર્ષિક સભ્યપદ માટે મામૂલી રકમ રાખવાનું નક્કી કર્યું છે. ૪૦૦ જેટલી બેઠકક્ષમતા ધરાવતા વાતાનુકૂલિત સભાગ્રહમાં કાર્યક્રમો યોજાશે.
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર દીપક ઘીવાલા અને ગુજરાતી ફિલ્મોનાં પ્રસિદ્ધ અભિનેત્રી રાગિણી શાહે કેન્દ્રના પ્રથમ સભ્ય બનવાની ઇચ્છા પ્રદર્શિત કરી છે.
ગુજરાતી નાટ્યજગતમાં ખૂબ જ આદરણીય પ્રવીણભાઈ ૮૫ વર્ષની ઉંમરે પણ ધગશથી આ કાર્યમાં ૮૨ વર્ષીય લલિત શાહને સાથ આપી રહ્યા છે, કારણ કે તેમનું જીવન ગુજરાતી સાંસ્કૃતિક ધરોહરને સમર્પિત છે.
૨૭ જૂને LLDC નાટ્યસ્પર્ધાનું પારિતોષિક વિજેતા નાટક ‘લૉન્ગ ડ્રાઇવ’ નિ:શુલ્ક રજૂ થવાનું છે અને ૨૮ જૂને હિતેન આનંદપરા સંયોજિત મુશાયરો રજૂ થશે. જુલાઈ મહિનાના પણ કાર્યક્રમો નક્કી થઈ રહ્યા છે.
લલિત શાહે મલાડ-કાંદિવલી-બોરીવલીની જનતાને ખાસ વિનંતી કરી છે કે માત્ર ૫૦૦ સભ્યો જ નોંધવાના હોવાથી પોતાનું નામ અને whatsapp નંબર નીચે જણાવેલ કોઈ પણ એક જણને whatsapp કરવા વિનંતી.
જૂન અને જુલાઈ મહિનામાં નાટક, નૃત્ય, સંગીત અને સાહિત્યના કાર્યક્રમો નિ:શુલ્ક તો છે જ, પરંતુ નામ નોંધાવનારને ઑગસ્ટથી શરૂ થનાર સભ્યપદમાં પ્રાથમિકતા અપાશે.
નામ અને whatsapp નંબર નોંધાવવા માટે સંપર્ક:
કરણ દેઢિયા : ૯૮૬૭૪ ૮૮૭૪૬
પ્રીતિ શાહ : ૯૮૨૧૯ ૦૩૦૮૧
કાજલ શાહ : ૯૮૭૦૭ ૭૭૪૪૧
