Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માહિમમાં કચ્છી મહિલાના ગળામાંથી ૧.૬૩ લાખ રૂપિયાની સોનાની ચેઇન આંચકી લેવાઈ

માહિમમાં કચ્છી મહિલાના ગળામાંથી ૧.૬૩ લાખ રૂપિયાની સોનાની ચેઇન આંચકી લેવાઈ

Published : 24 June, 2026 08:04 AM | Modified : 24 June, 2026 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માટુંગા સ્ટેશન નજીક બન્યો બનાવ, વૃદ્ધાને ધક્કો મારતાં રોડ પર પટકાયાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માહિમ-વેસ્ટના વીર સાવરકર માર્ગ પર રહેતાં ૭૫ વર્ષનાં કચ્છી મહિલાની માટુંગા સ્ટેશન નજીક રવિવારે ધોળે દિવસે બે લોકો આશરે ૧.૬૮ લાખ રૂપિયાની સોનાની ચેઇન લઈ નાસી ગયા હોવાની ફરિયાદ માહિમ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી મહિલા રવિવારે સાંજે પોણાછ વાગ્યે માટુંગા સ્ટેશન પાસે આવેલા રિલાયન્સ સ્માર્ટ બાઝારમાંથી ઘરવખરીનો સામાન ખરીદીને પાછાં ફરી રહ્યાં હતાં. તેઓ રોડ ક્રૉસ કરીને સામેના બસ-સ્ટૉપ નજીક ઘર તરફ જવા માટે ટૅક્સીની રાહ જોતાં ઊભાં હતાં ત્યારે અચાનક પાછળથી આવેલા બે અજાણ્યા ચોરોએ તેમના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. વૃદ્ધાએ આ ચોરોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેમને જોરદાર ધક્કો માર્યો હોવાથી બસ-સ્ટૉપ પાસે જમીન પર જ પડી ગયાં હતાં.
માહિમ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર લૂંટાયેલી સોનાની ચેઇન ૧૪ ગ્રામ વજનની હતી અને એમાં ૬ ડાયમંડ જડેલા હતા. હુમલાખોર આશરે પચીસ વર્ષના હતા અને તેમણે મોઢા પર માસ્ક પહેરેલો હતો. ચેઇન આંચક્યા બાદ તેઓ ત્યાં ઊભેલી બસની પાછળથી થઈને માટુંગા રેલવે સ્ટેશનથી દાદર તરફ ભાગી છૂટ્યા હતા. આ ઘટનાથી અત્યંત ગભરાઈ ગયેલાં વૃદ્ધા શરૂઆતમાં ઘરે પહોંચ્યાં હતાં અને બાદમાં તેમના પુત્ર સાથે પોલીસ-સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી હતી. હાલમાં અમે આરોપીની શોધ હાથ ધરી છે. આ ઘટનામાં મહિલાને નાની ઈજાઓ પણ થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK