આમ તો આ સ્કાયવૉક ડિસેમ્બરના અંતમાં જ તૈયાર થઈ ગયો હતો, પણ ત્યાર બાદ BMCની આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી
સ્કાયવૉક
બાંદરા-ઈસ્ટમાં મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA), મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) કોર્ટ, કલેક્ટર ઑફિસ સહિત બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી અનેક બૅન્કો અને પ્રાઇવેટ ઑફિસો માટે અનેક લોકો બાંદરા સ્ટેશન પર ઊતરે છે. આ લોકો માટે આનંદના સમાચાર છે. લાંબા સમયથી બંધાઈ રહેલો રેલવે-સ્ટેશનથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધીનો સ્કાયવૉક તૈયાર થઈ ગયો છે. હવે રેલવે-સ્ટેશનથી આસાનીથી પગપાળા જઈ શકાશે. આમ તો આ સ્કાયવૉક ડિસેમ્બરના અંતમાં જ તૈયાર થઈ ગયો હતો, પણ ત્યાર બાદ BMCની આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી. એથી નાના-મોટા કામને લાસ્ટ ટચ આપીને હવે એ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનથી લોકો માટે ખુલ્લો મુકાશે.
નાશિકમાં ઍર-શો માટે ફી વસૂલવાના લોભને ઇન્ડિયન ઍર ફોર્સે વખોડ્યો
ADVERTISEMENT

ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)એ નાશિકમાં યોજેલા ઍર-શો માટે પ્રેક્ષકો પાસેથી ફી વસૂલ કરવામાં આવતાં નારાજગી વ્યક્ત કરી હતી. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે યોજાતાં નિ:શુલ્ક પ્રદર્શનો માટે ફી વસૂલ કરવામાં આવતાં IAFએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને સ્થાનિક અધિકારીઓના વર્તનને વખોડ્યું હતું. સ્થાનિક અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલી ફી શો જોવા માટે નહીં પરંતુ નાસ્તા-પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે હતી. હોબાળા બાદ નાશિકના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે જાહેરાત કરી હતી કે ફી તરીકે મળેલી રકમ સૈનિકોના વેલ્ફેર ફન્ડમાં આપવામાં આવશે. ગંગાપુર ડૅમ પર પ્રખ્યાત સૂર્યકિરણ ઍરોબેટિક ટીમના પ્રદર્શનને જોવા માટે લોકો પાસેથી ૨૦૦થી ૮૦૦ રૂપિયા વસૂલ કરવાના નિર્ણયની IAFના ભૂતપૂર્વ સૈનિકોએ પણ ટીકા કરી હતી.
નવી મુંબઈ ઍરપોર્ટના અસરગ્રસ્તો ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના પ્રોજેક્ટ અફેક્ટેડ લોકો તેમના પડતર પ્રશ્નોના ઉકેલની માગણી સાથે CBD બેલાપુર ખાતે સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કૉર્પોરેશન (CIDCO) ભવનની ઑફિસ સામે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ સમિતિના કિરણ કેણી કરી રહ્યા છે. આજે ઉપવાસનો ચોથો દિવસ છે. આયોજકોએ જણાવ્યું હતું કે જો અધિકારીઓ વાતચીત શરૂ નહીં કરે તો આજે ચોથા દિવસે વધુ લોકો આંદોલનમાં જોડાશે. તેમણે માગણી કરી હતી કે ૨૦૧૯ પછી જેમનાં ઘર ખાલી કરાવવામાં આવ્યાં હતાં એવા મકાનમાલિકોને ઘરભાડું આપવામાં આવે. ઉપરાંત આવા પરિવારોના ઘરની કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ભથ્થું આપવું જોઈએ.
બીડની મહિલા ગળામાં પહેરેલા સ્પેશ્યલ સ્કાર્ફને લીધે દીપડાના હુમલાથી બચી
બીડ જિલ્લામાં ૪૫ વર્ષની એક મહિલા ગળામાં પહેરેલા લોખંડી દાંતિયાવાળા સ્કાર્ફને લીધે દીપડાના હુમલામાં બચી ગઈ હતી. બુધવારે સવારે શિરૂર નજીકના ડુંગરાળ પ્રદેશમાં દીપડાની ગર્જનાનો અવાજ સંભળાયો હતો, પરંતુ ખેતરોમાં કામ કરતા લોકોએ ખાસ ધ્યાન આપ્યું નહોતું. દરમ્યાન એક દીપડો મહિલા પર ધસી આવ્યો હતો અને એણે મહિલાના ગળા પર જ હુમલો કર્યો હતો. મહિલાએ રક્ષણાત્મક સ્કાર્ફ પહેર્યો હોવાથી દીપડાના દાંત સ્કાર્ફમાં જ ફસાઈ ગયા હતા એટલે હુમલામાં નિષ્ફળ ગયેલા દીપડાએ પીછેહઠ કરી હતી. મહિલાને સામાન્ય ઈજા થઈ હતી. વનવિભાગે દીપડાને શોધવાનું કામ શરૂ કર્યું છે.
બૉમ્બ બનાવતી વખતે જ ફાટ્યો, બનાવનારનાં ચીંથરાં ઊડી ગયાં
બિહારના સિવાન જિલ્લાના બડરમમાં બૉમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થવાથી જોરદાર ધમાકો થયો હતો જેનો અવાજ આસપાસના લગભગ ૩ કિલોમીટર વિસ્તારમાં સંભળાયો હતો. બ્લાસ્ટથી ઘડીભર માટે અફરાતફરી મચી ગઈ હતી. બૉમ્બ બનાવનારનું શરીર ટુકડેટુકડા થઈને આમતેમ ફેંકાઈ ગયું હતું અને માથું ધડથી જુદું થઈ ગયું હતું. ઘરની દીવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. મરનારનું નામ મોહમ્મદ મુર્તુઝા મન્સૂરી હતું. પચાસ વર્ષનો આ માણસ ગઈ કાલે પોતાના જ ઘરમાં બૉમ્બ બનાવી રહ્યો હતો ત્યારે બૉમ્બ ફાટતાં આખો વિસ્તાર હલબલી ગયો હતો. ગુરુવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે આ ઘટના બની હતી.
રેલવે-ફાટક ખુલ્લો રહી ગયો, ટ્રકની સાથે અથડાઈ ગઈ ટ્રેન
ઝારખંડના દેવઘરમાં હાવડા-જસડિહી મુખ્ય રેલવેમાર્ગ પર મોટો અકસ્માત થયો હતો. રેલવે-ફાટક ખુલ્લો હતો ત્યારે સ્પીડમાં ફાટક ક્રૉસ કરી રહેલી એક ટ્રકની સાથે ટ્રેન અથડાઈ હતી. આ ઘટનામાં ટ્રકની અડફેટે એક બાઇકર પણ આવી ગયો હતો. બાઇક પર સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક અથડાવાને કારણે રેલવે અને રોડ બન્ને માર્ગ પર અવરોધને કારણે ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો. ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મુખ્ય રેલવેમાર્ગ પર રેલવેની આવ-જા પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.
આંધ્ર પ્રદેશમાં પ્રાઇવેટ બસ અને ટ્રકની આમનેસામને થઈ ટક્કર- આગ લાગતાં ત્રણ લોકો બળી ગયા અને ૧૪ યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા
આંધ્ર પ્રદેશના નંદિયાલ જિલ્લામાં બુધવારે મધરાતે એક પ્રાઇવેટ બસની ટ્રક સાથે ટક્કર થઈ જતાં બસમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માત નૅશનલ હાઇવે પર થયો હતો જેમાં ૩ લોકો બળીને મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટક્કરમાં આગ લાગતાં બસનો ડ્રાઇવર, ટ્રકનો ડ્રાઇવર અને એનો ક્લીનર આગમાં હોમાઈ ગયા હતા.
પ્રાઇવેટ બસમાં ૩૬ યાત્રીઓ હતા જેઓ નેલ્લોરથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. તેજ ગતિએ બસ દોડી રહી હતી ત્યારે અચાનક એનું એક ટાયર ફાટી જતાં એ અનિયંત્રિત થઈને ડિવાઇડર પાર કરીને બીજી તરફ જતી રહી હતી અને સામેથી આવતી કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર પછી તરત બસમાં આગ લાગી હતી. બસમાં સવાર તમામ યાત્રીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
મંદિરમાં પોતાનો જ બલિ આપવાનો પ્રયાસ કર્યો યુવાને
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં ૨૩ વર્ષના કુશેન્દ્ર રાજવંશી નામના યુવકે મંગળવારે લલિતાદેવી મંદિરમાં પોતાનો જ બલિ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની બૅગમાં હથિયાર લઈને મંદિરમાં ઘૂસ્યો હતો. પ્રવેશદ્વાર પર જ્યારે પોલીસે તેને રોક્યો ત્યારે ખબર પડી કે તેની પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર છે. કુશેન્દ્ર વારંવાર તેની બૅગ ખોલીને જોયા કરતો હતો એટલે પોલીસને વધુ શંકા ગઈ. પહેલાં તેણે ઘરમાં જ બાંકે બિહારીની પૂજા કરી હતી અને પછી ગુપ્ત માનતા માનીને તે માના દરબારમાં આવ્યો હતો. તે અહીં પોતાનો બલિ આપવાનો હતો. તે ગર્ભગૃહમાં જઈને હથિયાર કાઢે એ પહેલાં જ પોલીસે તેને પકડી લીધો હતો.


