Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: મહિલા બિલનો વિરોધ કરનારાઓનો વિરોધ : દેવેન્દ્ર ફડણવીસ આજે પત્રકાર-પરિષદ લેશે

ન્યૂઝ શોર્ટમાં: મહિલા બિલનો વિરોધ કરનારાઓનો વિરોધ : દેવેન્દ્ર ફડણવીસ આજે પત્રકાર-પરિષદ લેશે

Published : 20 April, 2026 07:32 AM | Modified : 20 April, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બધા જ વિરોધ પક્ષો કૉન્ગ્રેસ, ઇન્ડિયા અલાયન્સ બધાએ નારી શક્તિનું સન્માન કરવાની તક ગુમાવી દીધી છે.

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાના બિલનો વિરોધ કરવાના કૉન્ગ્રેસના વડપણ હેઠળ ઇન્ડિયા અલાયન્સે લીધેલા વલણ સામે મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે વિરોધ નોંધાવ્યો છે. આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ બાબતે એક પત્રકાર-પરિષદ લેવાના છે, જેમાં મહાયુતિના સાથી પક્ષોના નેતાઓ પણ હાજર રહેશે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બધા જ વિરોધ પક્ષો કૉન્ગ્રેસ, ઇન્ડિયા અલાયન્સ બધાએ નારી શક્તિનું સન્માન કરવાની તક ગુમાવી દીધી છે. તેમણે નારી શિક્તનું સન્માન કરતા એ બિલને પાસ ન થવા દીધું. એને લીધે તેમનો સાચો ચહેરો લોકો સામે અને દેશ સામે આવી ગયો છે.’    

ક્રૉફર્ડ માર્કેટમાં એક કમર્શિયલ બિલ્ડિંગમાં આગ



રવિવારે વહેલી સવારે ફોર્ટમાં એલ. ટી. માર્ગ પર ક્રૉફર્ડ માર્કેટ નજીક આવેલા એક કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઉમરીકર બિલ્ડિંગમાં સવારે ૬.૨૦ વાગ્યે લાગેલી આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ચારથી પાંચ દુકાનોમાં ફેલાઈ હતી, પરંતુ ગાઢ ધુમાડો ઝડપથી નજીકની દુકાનોમાં ફેલાઈ ગયો હતો. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.


ભિવંડીની ડાઇંગ ફૅક્ટરીમાં આગ

ભિવંડીની ડાઇંગ ફૅક્ટરીમાં ગઈ કાલે આગ લાગી હતી. એને બુઝાવવા માટે નજીકની કંપનીના યુનિટ્સે મદદ કરી હતી. જોકે કપડાં ડાઈ કરતા યુનિટમાં આગ લાગતાં અમુક લોકો યુનિટની બહાર પડેલા કપડાંના ઢગલા લઈને ભાગી ગયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. આ ઉપરાંત શિળફાટા રોડ પર ૪૫૦૦ ચોરસ ફુટના વેરહાઉસમાં પણ આગ લાગી ગઈ હતી.


મુંબઈ સેન્ટ્રલમાં ૧૨ દુકાનો અને રૂમમાં આગ, બિલ્ડિંગનો અમુક ભાગ જોખમી

મુંબઈ સેન્ટ્રલના રિલાયન્સ મૉલની સામે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં લગભગ ૧૨ દુકાનો અને અમુક રૂમને નુકસાન થયું હતું. ડી. બી. માર્ગ પર શનિવારે રાત્રે ૧૧.૩૧ વાગ્યે લગભગ ૫૦૦૦  ચોરસ ફુટમાં ફેલાયેલી લગભગ પાંચ મોટી અને સાત નાની દુકાનો આગની ઝપટમાં આવી ગઈ હતી. એમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટૉલેશન અને સાધનોને ભારે નુકસાન થયું હતું. ગ્રાઉન્ડ અને પહેલા માળે ફેલાયેલી આગને રવિવારે પરોઢિયે ૩.૫૦ વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી. આ બિલ્ડિંગનો અમુક ભાગ જોખમી હોવાને કારણે એને પાડી નાખવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે.

ટિકિટ વગર પેડલરોને કૉન્સર્ટમાં એન્ટ્રી આપનાર બાઉન્સરની કરાઈ ધરપકડ

નેસ્કોમાં આયોજિત મ્યુઝિક કૉન્સર્ટ દરમ્યાન ડ્રગ્સના ઓવરડોઝથી બે વિદ્યાર્થીઓનાં મોતના કેસમાં મુંબઈ પોલીસે રવિવારે એક બાઉન્સરની ધરપકડ કરી હતી. આ બાઉન્સરે લાંચ લઈને ડ્રગ પેડલરોને ટિકિટ વગર કૉન્સર્ટમાં પ્રવેશ આપ્યો હતો. આ ધરપકડ સાથે જ હાઈ-પ્રોફાઇલ કેસમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૦ પર પહોંચી ગઈ છે. વનરાઈ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘પ્રદીપ ગુપ્તા કૉન્સર્ટમાં સિક્યૉરીટી ટીમનો ભાગ હતો. તેણે ડ્રગ પેડલર પાસેથી પ્રત્યેકદીઠ ૧૦૦૦ રૂપિયા લઈને તેમને ગેરકાયદે રીતે પ્રવેશ આપ્યો હતો. આ પેડલરો પાસે કૉન્સર્ટની કોઈ ટિકિટ નહોતી.

થાણે અને ડોમ્બિવલી વચ્ચે મેગા બ્લૉકને કારણે પ્રવાસીઓ પરેશાન

સેન્ટ્રલ રેલવે દ્વારા શનિવારે મધરાતથી રવિવારે સવારે ૧૦ વાગ્યા સુધી થાણે અને ડોમ્બિવલી સ્ટેશનના પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાની હોવાથી મેગા બ્લૉક રાખ્યો હતો. બ્લૉકના એ સમય દરમ્યાન ઠાકુર્લી અને કોપર સ્ટેશને ટ્રેનો ઊભી ન રહેતી હોવાથી ગઈ કાલે સવારે અનેક પ્રવાસીઓ હેરાન થયા હતા. એમાંથી કેટલાક પ્રવાસીઓ ટ્રૅક પર ચાલીને આગળના સ્ટેશને પહોંચ્યા હતા.  

૩૦૦૦ સૈનિક, પાંચ વૉરશિપ અને ૧૦ ફાઇટર જેટ્સ- રશિયા અને ભારતના આટલા સૈનિકો એકબીજાની ભૂમિ પર તહેનાત થશે

ભારત અને રશિયાની વચ્ચે ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં એક લૉજિસ્ટિક કરાર થયો હતો જે હવે અમલમાં આવી રહ્યો છે. આ કરાર અંતર્ગત બન્ને દેશો એકબીજાના ક્ષેત્રમાં ૩૦૦૦ સૈનિકો, પાંચ વૉરશિપ અને ૧૦ આર્મી પ્લેન તહેનાત કરી શકે છે. આ કરારનું નામ ઇન્ડો-રશિયા રેસિપ્રોકલ એક્સચેન્જ ઑફ લૉજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) છે. આ સુવિધા શરૂઆતમાં પાંચ વર્ષ માટે લાગુ રહેશે. એ પછી બન્ને દેશોની સહમતીથી આ કરાર આગામી પાંચ વર્ષ માટે વધારી શકાશે.  દાયકાઓ જૂના બે સ્ટ્રૅટેજિક ભાગીદારોની વચ્ચે થયેલો આ કરાર ઐતિહાસિક ગણાય છે. 

શ્રીનગર ઍરપોર્ટ પરથી થઈ બે અમેરિકન નાગરિકોની ધરપકડ- તેમના સામાનમાંથી પ્રતિબંધિત ચીજો અને સૅટેલાઇટ ફોન મળી આવ્યાં હતાં

ગઈ કાલે શ્રીનગરના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રેગ્યુલર તપાસ દરમ્યાન બે અમેરિકન નાગરિકોના સામાનમાંથી પ્રતિબંધિત ચીજો મળી આવી હતી. તેમના સામાનમાં સૅટેલાઇટ ફોન મળી આવતાં ઍરપોર્ટ ઑથોરિટીએ તેમની અટકાયત કરી હતી અને પછી વધુ પૂછપરછ અને તપાસ માટે પોલીસને સોંપી દીધા હતા. એમાંથી એક નાગરિકની ઓળખ મૉન્ટાનાના રહેવાસી જેફરી સ્કૉટ તરીકે થઈ હતી. ભારત સરકારની પરવાનગી વિના સૅટેલાઇટ ફોન લઈને દેશમાં પ્રવેશવું ગેરકાનૂની છે. 

ભારતની દેશ ગરિમા શિપ હોર્મુઝ પાર કરીને મુંબઈ આવવા રવાના

હોર્મુઝમાં તનાવ વચ્ચે ભારત માટે એક સારા ખબર આવ્યા છે. શનિવારે ઈરાની સેનાએ ભારતનાં બે તેલ ટૅન્કરો પર ગોળીબાર કરીને એમને રોક્યાં હોવાથી પાછાં ફરવું પડ્યું હતું, પરંતુ શનિવારે જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ‘દેશ ગરિમા’ જહાજ સુરક્ષિત રીતે પાર નીકળ્યું હતું. આ જહાજમાં ૩૧ ભારતીય નાવિકો સવાર છે જે બાવીસમી એપ્રિલે મુંબઈ પહોંચશે.  

લ્યુસિયાનામાં માસ શૂટિંગમાં ૮ બાળકોનાં મૃત્યુ

ગઈ કાલે સવારે અમેરિકાના લ્યુસિયાનામાં એક બંદૂકધારીએ કેટલાંક ઘરો સામે બેફામ ફાયરિંગ કરતાં અંધાધૂંધી મચી ગઈ હતી. આ ફાયરિંગમાં એકથી ૧૪ વર્ષનાં ૮ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. સ્થાનિક પોલીસે ગનમૅનનો પીછો કરીને તેને ઠાર માર્યો હતો. માસ શૂટિંગમાં ૧૦ જણને ગોળી વાગી હતી.

ઇઝરાયલના સાથથી ડોનલ્ડ ટ્રમ્પ ખુશખુશાલ 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઇઝરાયલનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘લોકો ઇઝરાયલને પસંદ કરે કે ન કરે, તેઓ અમેરિકાના ખૂબ જ સરસ સહયોગી સાબિત થયા છે. તેઓ સાહસિક, નીડર, વફાદાર અને સમજદાર છે. તેઓ સંઘર્ષના સમયે અસલી રંગ દેખાડનારા અન્ય દેશો જેવા નથી. ઇઝરાયલ કડક યુદ્ધ લડીને જીતવાનું જાણે છે.’  

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK