Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: નાલાસોપારાનો રાજોડી બીચ કે રેસિંગ ટ્રૅક?

ન્યૂઝ શોર્ટમાં: નાલાસોપારાનો રાજોડી બીચ કે રેસિંગ ટ્રૅક?

Published : 12 July, 2026 07:47 AM | Modified : 12 July, 2026 08:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં લોકો જાત-જાતની કમેન્ટ કરી રહ્યા હતા અને ડ્રાઇવરના આવા બેજવાબદાર વર્તનને વખોડી રહ્યા હતા.   

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


નાલાસોપારાના રાજોડી બીચ પર શુક્રવારે સાંજે એક સ્પોર્ટ્સકારના ડ્રાઇવરે નશો કરીને તેની કાર ધૂમ સ્ટાઇલમાં પૂરઝડપે ચલાવી હતી. આ ઘટના નજરે જોનારા લોકોનું કહેવું હતું કે કાર ઠોકાયેલી હતી છતાં એના ડ્રાઇવરે ફુલ સ્પીડમાં ચલાવી હતી. પૂરઝડપે બીચ પર જઈ રહેલી કારને જોઈને ત્યાં ફરજ બજાવતા લાઇફગાર્ડે પણ ​િવ્હસલ મારીને એને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારનો ડ્રાઇવર પછી કાર લઈને નાસી છૂટ્યો હતો. સદ્નસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નહોતું. સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં લોકો જાત-જાતની કમેન્ટ કરી રહ્યા હતા અને ડ્રાઇવરના આવા બેજવાબદાર વર્તનને વખોડી રહ્યા હતા.  

વેસ્ટર્ન રેલવેમાં TCને મરાઠીમાં બોલવાનો આગ્રહ કર્યો એને પગલે તંગદિલી



સામે બીજા મરાઠી TCએ દલીલ કરી કે અહીં મરાઠીમાં બોલવાનું કહો છો તો પછી વૉટ્સઅૅપ પર ઇંગ્લિશ અને હિન્દી કેમ વાપરો છો


વેસ્ટર્ન રેલવેમાં એક પ્રવાસીએ ટિકિટચેકર (TC)ને મરાઠીમાં બોલવાનો આગ્રહ કર્યો હતો. તેણે TCને એમ કહ્યું હતું કે તમે મહારાષ્ટ્રમાં જૉબ કરો છો તો તમને મરાઠી આવડવું જોઈએ. ત્યારે હિન્દીમાં બોલી રહેલા TCના અન્ય મરાઠી સાગરીત (TC)એ તેનું ઉપરાણું લેતાં સામે પરખાવ્યું હતું કે અમને તમે મરાઠીમાં બોલવા કહો છો પણ તમે વૉટ્સઍપ પર તો ઇંગ્લિશ અને હિન્દીમાં વાત કરો છો, ત્યાં કેમ મરાઠી વાપરતા નથી? તમને મરાઠી બારાખડી પણ આવડે છે કે? ત્યાર બાદ તે બન્ને TC દ્વારા સરકારી કામમાં અંતરાય ઊભો કરવાનો ગુનો કર્યો છે એમ કહી એ પૅસેન્જરને ઉતારીને અંધેરીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ચોકીની બહાર લઈ જવાયો હતો અને તેની સામે કાર્યવાહી કરવાના પ્રયાસ થયા હતા. એક કલાક એ પૅસેન્જરને બેસાડી રખાયો હતો એવું કહેવાય છે. જોકે આ બાબતની મરાઠી એકીકરણ સમિતિને જાણ થતાં તેમના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ અંધેરી RPF ઑફિસની બહાર પહોંચી ગયા હતા અને પૅસેન્જરને તાત્કાલિક છોડવા રજૂઆત કરી હતી. TCને મરાઠીમાં બોલવા કહેવું એમાં કઈ રીતે સરકારી કામમાં અંતરાય ઊભો કરવાનો ગુનો નોંધી શકાય એની ચોખવટ તેમણે માગી હતી.

હિંગોલીમાં ફરી ભૂકંપના ઝાટકા : કોઈ નુકસાન નહીં, પણ લોકો થયા ભયભીત


બુધવારે મધરાતે અને ગુરુવારે પરોઢિયે હિંગોલી, પરભણી, લાતુર અને નાંદેડમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા બાદ શનિવારે ફરી હિંગોલીમાં ધરતીકંપે લોકોને ધ્રુજાવ્યા હતા. શનિવારે સવારે ૧૧.૨૬ વાગ્યે હિંગોલીમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા જેને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ વખતે ભૂકંપની તીવ્રતા ૩.૫ ​રિક્ટર સ્કેલ હતી અને કેન્દ્રબિંદુ હિંગોલીના વસાઈના ઓંઢા નાગનાથ તાલુકામાં હોવાનું જણાયું હતું.

દહિસરમાં ખાણના ખાડામાં બે ટીનેજર ડૂબ્યા
દહિસર-ઈસ્ટમાં કેતકીપાડા પાસે આવેલી ખાણના ખાડામાં ભરાયેલા પાણીમાં બે ટીનેજરનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ ઘટનામાં ૧૯ વર્ષનો પીયૂષ ગુપ્તા અને ૧૯ વર્ષનો તેનો ફ્રેન્ડ ઓમ આકાશ સિંહ ગઈ કાલે સવારે નહાવા પડ્યા હતા અને ૧૦.૨૬ વાગ્યે તેઓ ડૂબી ગયાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. તેમને બન્નેને બહાર કાઢીને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. 

લોખંડવાલા માર્કેટમાં લાગેલી આગને એક જ કલાકમાં કાબૂમાં લેવાઈ

શનિવારે સાંજે ૮ વાગ્યાની આસપાસ અંધેરીના લોખંડવાલાની માર્કેટની એક દુકાનમાં આગ લાગી હતી. હરીશ પ્લસ નામની ટૉય્સ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ એક ફાયર-એન્જિન અને એક ટૅન્કર લઈ ઘટનાસ્થળે પહોંચી હતી અને એક જ કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નહોતી. આગ શા માટે લાગી અેની જાણ થઈ શકી નહોતી. 

આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર દરમ્યાન આવતી અને જતી બન્ને તરફની સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે.હાર્બર લાઇનમાં સવારે ૧૧.૧૦ વાગ્યાથી લઈને સાંજે ૪.૪૦ વાગ્યા સુધી CSMTથી ચૂનાભઠ્ઠી અને બાંદરા સુધી બન્ને તરફની લાઇન પર બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન પનેવલથી કુર્લા સુધી દર ૨૦ મિનિટના અંતરે કેટલીક સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવેમાં આજે દિવસ દરમ્યાન કોઈ બ્લૉક નથી.    

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK