Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: પાર્લે ઍગ્રોનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું FDAએ

News In Shorts: પાર્લે ઍગ્રોનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું FDAએ

Published : 17 August, 2026 07:36 AM | Modified : 17 August, 2026 11:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તુકારામ મુંઢેએ મે ૨૦૨૬માં મહારાષ્ટ્ર FDAના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ સતત કાર્યવાહી થઈ રહી છે. 

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ ચેમ્બુર નાકા નજીક વેલોસિટી એક્સપ્રેસ વેરહાઉસમાંથી ફ્રૂટી, ઍપપી અને ઍપલ ફિઝની સમયસીમા સમાપ્ત થઈ ગયો હોવાનો સ્ટૉક મળ્યા બાદ મેસર્સ પાર્લે ઍગ્રોનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું હતું. ૯૯,૯૭૦ રૂપિયાની કિંમતનો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી FDAના કમિશનર તુકારામ મુંઢેની આગેવાની હેઠળ રેસ્ટોરાં, હોટેલ, ઢાબા, બેકરીઓ, ઑનલાઇન ફૂડ-પ્લૅટફૉર્મ અને અન્ય ખાદ્ય વ્યવસાયો સામે રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી છે. તુકારામ મુંઢેએ મે ૨૦૨૬માં મહારાષ્ટ્ર FDAના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ સતત કાર્યવાહી થઈ રહી છે. 

લખનઉમાં વિકસિત સ્વદેશી જેટ-પાવર્ડ દિવ્યાસ્ત્ર Mk3ની પ્રથમ સફળ ઉડાન



બ્રહ્મોસની સફળતા બાદ લખનઉએ સ્વદેશી સંરક્ષણ ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહન હાંસલ કર્યું છે. લખનઉસ્થિત કાવા યુ.એ.વી. પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં વિકસિત આગામી પેઢીના જેટ-પાવર્ડ લોઇટરિંગ મ્યુનિશન દિવ્યાસ્ત્ર Mk3ની પ્રથમ ઉડાન સફળતાપૂર્વક પૂરી કરી છે. ભારતની પ્રથમ સ્વદેશી જેટ-પાવર્ડ લોઇટરિંગ મ્યુનિશન દિવ્યાસ્ત્ર Mk3 ભારતીય ઍરફ્રેમ, સ્વદેશી જેટ એન્જિન, સ્વતંત્ર ટેક્નૉલૉજી અને સ્વદેશી ફાયરપાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવ્યાસ્ત્ર Mk3 પ્રોગ્રામની શરૂઆતથી લઈને એની પ્રથમ ઉડાનનો તબક્કો માત્ર એક વર્ષમાં વિકસાવવામાં આવ્યો છે. આ સિસ્ટમ ન તો આયાતી જેટ એન્જિનનો ઉપયોગ કરે છે કે ન તો વિદેશી ક્રિટિકલ સબસિસ્ટમ પર કોઈ નિર્ભરતાનો ઉપયોગ કરે છે. એ ભારતમાં વિકસાવવામાં આવી છે. આ માત્ર એક ટેસ્ટ-ફ્લાઇટ નથી પરંતુ ભારતની તકનીકી ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રદર્શન છે. 


ઇન્ડોનેશિયામાં ભૂકંપમાં મરણાંક ૫૩ થયો, ૩૩૦૦ લોકોનો બચાવ: બે દિવસમાં ૧૦૦૦થી વધુ આફ્ટરશૉક્સ, ૫૦૦૦થી વધુ લોકો થયા બેઘર

ઇન્ડોનેશિયામાં શનિવારે ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી સતત આફ્ટરશૉક્સ આવી રહ્યા હોવાથી બચાવકાર્ય કપરું થઈ ગયું હતું. સ્થાનિક એજન્સીના કહેવા મુજબ બે દિવસમાં ૧૦૦૦થી વધુ હલકા આફ્ટરશૉક્સ આવી ચૂક્યા છે. એને કારણે નબળાં પડી ગયેલાં બિલ્ડિંગો તૂટી રહ્યાં છે. લગભગ ૫૦૦૦થી વધુ લોકો બેઘર થઈ ગયા છે.


ઝિમ્બાબ્વેમાં બોટ પલટી ગઈ, ૧૮ બાળકો સહિત ૭૨ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો 

ઝિમ્બાબ્વેમાં એક ફેરી બોટ પલટી જતાં ૧૮ બાળકો સહિત ૭૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એવું અનુમાન છે કે બોટમાં ૧૫૩ લોકો સવાર હતા, પરંતુ એની ક્ષમતા માત્ર ૯૦ પ્રવાસીઓની હતી. અત્યાર સુધીમાં ૭૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના મંગળવારે કરીબા તળાવમાં થઈ હતી. દુર્ઘટના જ્યાં બની છે એ વિસ્તારમાં રસ્તા ખરાબ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટની અછત છે અને લોકો અવરજવર માટે પાણીનાw માર્ગનો ઉપયોગ કરે છે. બોટ પણ ઘણી જૂની હતી અને એક સરકારી એજન્સી એનું સંચાલન કરતી હતી. જીવ ગુમાવનારાં ૧૬ બાળકો ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં હતાં. આ માનવનિર્મિત તળાવ છે અને ઝમ્બેજી નદી પર ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. આ તળાવ ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાની બૉર્ડર પર છે.

અયોધ્યામાં નીકળી ભવ્ય પાલખીયાત્રા, ૫૦૦ વર્ષ પછી રામલલાનો ઝૂલા વિહાર


અયોધ્યાના રામ મંદિરમાં ૧૫ ઑગસ્ટના અવસરે ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી અને લગભગ ૫૦૦ વર્ષમાં પહેલી વાર રામલલાએ ઝૂલા વિહાર ઉત્સવમાં ભાગ લીધો હતો. આ માટે ફૂલોથી શણગારેલી ચાંદીની પાલખી તૈયાર કરવામાં આવી હતી. સાંજે ૪ વાગ્યે રામલલાની સાથે તેમના ૪ ભાઈઓ પણ ઉત્સવ શોભાયાત્રાનો ભાગ બન્યા હતા. એમાં સાધુ-સંતો અને મહંતો પણ સામેલ થયા હતા. મંદિર પરિસરના ૭૦ એકરમાં આ પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. આ માટે મજબૂત સુરક્ષાવ્યવસ્થા રાખવામાં આવી હતી.

પત્ની અને બે બાળકોને મારીને આત્મહત્યા કરી નેવીના ખલાસીએ?

ઇન્ડિયન નેવીમાં ખલાસી તરીકે ફરજ બજાવતા અને કફ પરેડના નેવીનગરમાં રહેતા ૩૦ વર્ષના પુરણમલ મેહરાનો મૃતદેહ તેના જ ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની ૨૮ વર્ષની પત્ની ઓમા, ૩ વર્ષનો દીકરો યશ અને બે મહિનાનું બાળક પણ બેડ પર મરેલી અવસ્થામાંથી મળી આવ્યાં હતાં. કફ પરેડ પોલીસને આ ઘટનાની જાણ થતાં તેમના ચારેયના મૃતદેહ પંચનામું કરવામાં આવ્યા બાદ જે. જે. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પુરણમલે પત્ની અને બાળકોને ઝેર આપીને મારી નાખ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. આ સંદર્ભે કફ પરેડ પોલીસ વધુ તપાસ કરી રહી છે. નેવી તરફથી પણ તપાસમાં સહકાર આપવામાં આવી રહ્યો છે.  

૧૦૦ કિલોના સમુદ્રી કાચબાને યલો ગેટ પોલીસે બચાવી લીધો

અરબી સમુદ્રમાં રૂટીન પૅટ્રોલિંગ કરતી વખતે યલો ગેટ પોલીસને સમુદ્રમાં એક કાચબો દરિયાનાં મોજાંઓ પર તરવા માટે હવાતિયાં મારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. એથી નજીક જઈને એને બચાવી લેવામાં આવ્યો હતો અને બોટ પર લઈ લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના મૅન્ગ્રોવ્ઝ સેલને એ વિશે જાણ કરવામાં આવી હતી. એ પછી પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા રેસ્ક્યુઇંક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર (RAWW)ને એની સોંપણી કરવામાં આવી હતી. તેઓ કાચબાને દહાણુના રીહૅબિલિટેશન સેન્ટરમાં લઈ ગયા હતા. 

કાલાચૌકીચા મહાગણપતિનું જોરદાર સ્વાગત

કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા ગઈ કાલે તેમના કાલાચૌકીચા મહાગણપતિની મૂર્તિ પરેલ વર્કશૉપથી મંડપમાં વાજતેગાજતે લઈ જવામાં આવી હતી. એ વખતે લાલબાગમાં ભારે ઉત્સાહ સાથે અને ઢોલનગારાં સાથે યુવક-યુવતીઓ નાચી રહ્યાં હતાં અને ગણપતિબાપ્પા મોરયાના નારા લગાવી રહ્યાં હતાં. સેંકડો લોકો તેમના આગમનમાં જોડાયા હતા અને પોતાના મોબાઇલમાં તેમના ફોટો અને વિડિયો લઈ રહ્યા હતા. તસવીરો: સતેજ શિંદે

એકમાં અનેક

સાર્વજનિક મંડળોની ગણપતિબાપ્પાની મોટી અને અનોખી મૂર્તિઓ બનાવવા માટે જાણીતા એવા મૂર્તિકાર અરુણ દાતેનું અનોખું સર્જન આ વખતે જોવા મળ્યું હતું. ઉલ્હાસનગરના એમ. એમ. ગ્રુપના સાર્વજનિક ગણપતિની મૂર્તિમાં તેમણે એક જ ગણપતિની મુખ્ય મૂર્તિ પર ૩૫૧ નાની ગણપતિની મૂર્તિ મૂકીને સજાવી છે. આમ એકમાં અનેકનાં દર્શન તેમણે કરાવ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK