News in Shorts: BMCની તમામ ૨૨૭ બેઠકો લડવાની AAPની જાહેરાત; ચૂંટણી દરમ્યાન નિયમ-પાલનની જવાબદારી ફ્લાઇંગ સ્ક્વૉડની ઘોડબંદર રોડ પર લગ્નના રિસેપ્શનમાં આગ અને વધુ સમાચાર
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના ૩ વૉર્ડમાં ૯૯ કલાક પાણી લો પ્રેશરથી આવશે
મુંબઈના ૩ મુખ્ય મ્યુનિસિપલ વૉર્ડમાં આવતા અઠવાડિયે સતત પાંચ દિવસ સુધી પાણીનું લોપ્રેશર રહેશે. મેટ્રો 7Aના કામને કારણે અગાઉ ડાઇવર્ટ કરાયેલી ૨૪૦૦ મિલીમીટરની પાણીપુરવઠા લાઇનને ફરીથી કનેક્ટ કરવાના કામને પગલે G-નૉર્થ (દાદર, માહિમ, માટુંગા અને ધારાવી), H- ઈસ્ટ (બાંદરા-ઈસ્ટ, સાંતાક્રુઝ-ઈસ્ટ) અને K-ઈસ્ટ (અંધેરી-ઈસ્ટ અને વિલે પાર્લે)માં ૨૨ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી ૨૬ ડિસેમ્બરે બપોરે ૧ વાગ્યા સુધી પાણીનું પ્રેશર લો રહેશે.
ADVERTISEMENT
BMCની તમામ ૨૨૭ બેઠકો લડવાની AAPની જાહેરાત, ૨૧ ઉમેદવાર જાહેર
આમ આદમી પાર્ટી (AAP)એ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની તમામ ૨૨૭ બેઠકો પર ચૂંટણી લડવાની ગઈ કાલે જાહેરાત કરી હતી અને ૨૧ ઉમેદવારોની પહેલી યાદી પણ બહાર પાડી દીધી હતી. આ સાથે AAPએ એક નિવેદન પણ બહાર પાડ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દરેક રાજકીય પાર્ટીએ મુંબઈને લૂંટ્યું છે. AAP માત્ર વિકલ્પ નહીં પણ ઉકેલ છે. BMCમાં સારા લોકોની મુંબઈને જરૂર છે. અમે શાસન કેવી રીતે સુધારવું એ જાણીએ છીએ. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના નેતૃત્વમાં અમે દિલ્હી અને પંજાબમાં એ કરી બતાવ્યું છે.’
આવતા અઠવાડિયામાં ઠાકરેબંધુઓ યુતિની સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા
મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ માટે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વની શિવસેના (UBT) અને રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે લાંબા સમયથી યુતિની અટકળો ચાલી રહી છે. આ અટકળોને આવતા અઠવાડિયે અંતિમ સ્વરૂપ મળી જાય એવા અહેવાલો સામે આવ્યા હતા. બન્ને પાર્ટીના નેતાઓએ એવી માહિતી આપી હતી કે મુંબઈ સિવાયનાં તમામ કૉર્પોરેશન્સ માટે બન્ને પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. આવતા સોમવારે જ કે એ પછીના ગમે એ દિવસોમાં યુતિની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિત ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોનાં ઇલેક્શન ૧૫ જાન્યુઆરીએ યોજાશે અને બીજા દિવસે રિઝલ્ટ ડિક્લેર થશે.
ચૂંટણી દરમ્યાન નિયમ-પાલનની જવાબદારી ફ્લાઇંગ સ્ક્વૉડની
મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી-કમિશનર દિનેશ વાઘમારેએ આગામી મહિને યોજાનારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આચારસંહિતાનું યોગ્ય પાલન થાય એ માટે ફ્લાઇંગ સ્ક્વૉડ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી-પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વિડિયો-કૉન્ફરન્સ દરમ્યાન તેમણે નિર્દેશ આપ્યો હતો. મતદાનમથકો પર મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત જ્યાં શક્ય હોય ત્યાં આદર્શ મતદાનમથકો અને મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા ચલાવાતા પિન્ક મતદાનમથકો ઊભાં કરવાનું પણ કહ્યું હતું.
ઘોડબંદર રોડ પર લગ્નના રિસેપ્શનમાં આગ, ૧૦૦૦ મહેમાનોનો આબાદ બચાવ

થાણેના એક બૅન્ક્વેટ હૉલમાં ગુરુવારે રાતે વેડિંગ રિસેપ્શન દરમ્યાન આગ લાગી હતી. સદનસીબે આગ ફેલાય એ પહેલાં ત્યાં હાજર રહેલા ૧૦૦૦થી ૧૨૦૦ જેટલા વધુ મહેમાનો કોઈ ઈજા વગર સુરક્ષિત રીતે ત્યાંથી બહાર નીકળી ગયા હતા. ઘોડબંદર રોડ પર આવેલા આ બૅન્ક્વેટ હૉલમાં ગુરુવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હૉલની લૉન પર એક કૅબિનની બહાર રાખેલા મંડપના ડેકોરેશનના સામાનમાંથી આગ ફાટી નીકળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ તાત્કાલિક ફાયરબ્રિગેડે સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી અને મધરાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ગાયમુખ ઘાટ રસ્તા પર સમારકામ: વીક-એન્ડ પ્લાન કરતાં ધ્યાન રાખજો
ઘોડબંદરના ગાયમુખ ઘાટ વિસ્તારમાં વીક-એન્ડમાં ટ્રાફિક જૅમ રહેવાની શક્યતા છે. ગયા અઠવાડિયે ત્રણ દિવસ સુધી હાથ ધરવામાં આવેલા કામમાં ફક્ત એક જ લેનનું કામ પૂરું થયું હોવાથી થાણે ટ્રાફિક બ્રાન્ચે ફરીથી કામ શરૂ કરવાની પરવાનગી આપી છે. ૨૧ ડિસેમ્બર સુધી રાતના સમયમાં સમારકામને કારણે ટ્રાફિક એક જ લેન પર ચાલશે. જોકે અત્યારે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ટ્રાફિક-ડાઇવર્ઝન જાહેર કર્યું નથી.
માણિકરાવ કોકાટેની સજા યથાવત્ પણ હાલ એક લાખના જાતમુચરકા પર જામીન
રાજ્ય સરકારની ગરીબો માટેના ઘરની સ્કીમનો ગેરલાભ લઈને ખોટા ઍફિડેવિટના આધારે ફ્લૅટ મેળવનાર રાજ્ય સરકારના પ્રધાન માણિકરાવ કોકાટેને મૅજિસ્ટ્રેટ કોર્ટે દોષી ઠેરવીને આપેલી બે વર્ષની સજા નાશિક સેશન્સ કોર્ટે મંગળવારે કાયમ રાખતાં એ સંદર્ભે માણિકરાવ કોકાટેએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. એ અરજી પર સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ આર. એન. લદ્ધાએ તેમની સજાને વાજબી ગણાવી હતી. જોકે માણિકરાવ કોકાટેને બે વર્ષની જ સજા કરાઈ હોવાથી હાલ એક લાખના જાતમુચરકા પર જામીન મંજૂર કર્યા હતા. માણિકરાવ કોકાટેના વકીલ રવિ કદમે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘માણિકરાવની તબિયત લથડતાં તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરીને તેમની ઍન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એ પછી શુક્રવારે તાત્કાલિક ધોરણે તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરવાની છે.’ નાશિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ (સેશન્સ કોર્ટે)એ મંગળવારે મૅજિસ્ટ્રેટ કોર્ટે છેતરપિંડીના કેસમાં તેમને ફટકારેલી બે વર્ષની સજા કાયમ રાખી હતી. એ પછી ગુરુવારે તેમણે તેમના રાજ્ય સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એ પછી નાશિક પોલીસની એક ટીમ તેમની ધરપકડ કરવા ગુરુવારે રાતે બાંદરા આવી પહોંચી હતી.
દેશભરમાં દાન-પુણ્ય સાથે પોષ અમાવસ્યાની ઉજવણી થઈ

ગઈ કાલે પોષ મહિનાની લાંબી અમાસ હતી.જ્યોતિષાચાર્યોના કહેવા મુજબ ખાસ પિતૃદોષ, કાળ સર્પદોષ અને કુંડળીમાં પીડાકારક ગ્રહોને શાંત કરવાનો મહાસંયોગ બન્યો હતો. મોટી અમાવસ્યાના દિવસે દાન-પુણ્ય કરવાનું અનેરું મહત્ત્વ હોવાથી દેશભરની ગૌશાળાઓ અને મંદિરોમાં દાનપુણ્યનાં કાર્યો હાથ ધરાયાં હતાં. ગઈ કાલે બિકાનેરની એક ગૌશાળામાં ગાયોને ફૂલોથી વધાવતા ભક્તો અને પરંપરાગત વિધિઓ કરતી મહિલાઓ જોવા મળી હતી.
બૉન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને અનોખી શ્રદ્ધાંજલિ

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં બૉન્ડી બીચ પર થયેલા હુમલામાં ૧૫ યહૂદીઓએ જીવ ગુમાવ્યા હતા. ગઈ કાલે સર્ફર્સ અને સ્વિમરોએ બીચ પર એકસાથે ભેગા દરિયામાં ઊતરીને જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બીચ જેવા જાહેર સ્થળે એકસાથે સેંકડો લોકોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા પછી ઑસ્ટ્રેલિયાના નેતાઓએ દેશમાં બંદૂક રાખવાના નિયમોને વધુ કડક બનાવવા વિશે સહમતી સાધી છે.


