મનોજ જરાંગે ૨૯ ઑગસ્ટથી આંદોલન કરવા મક્કમ:
મનોજ જરાંગે
મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે મરાઠા સમુદાયને અધર બૅકવર્ડ ક્લાસ (OBC) કૅટેગરી હેઠળ કુણબી પ્રમાણપત્ર અને અનામત આપવાની પોતાની માગણી પર અડગ રહ્યા છે. તેમણે જાલના જિલ્લાના અંતરવાલી-સરાટી ખાતે ૨૯ ઑગસ્ટથી ફરી એક વાર આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે મહારાષ્ટ્ર સરકારને તેમની માગણીઓ પૂરી કરવા માટે ૨૮ ઑગસ્ટ સુધીનું આખરી અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન પાછું ખેંચવા અને શાંતિ જાળવવાની વિનંતી કરવા માટે મહારાષ્ટ્ર સરકારના પ્રધાનો શંભુરાજ દેસાઈ, રાધાકૃષ્ણ વિખે-પાટીલ અને ઉદય સામંતના બનેલા એક પ્રતિનિધિમંડળે મનોજ જરાંગેની મુલાકાત લીધી હતી. પ્રધાનોએ સરકાર તરફથી સકારાત્મક પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ જરાંગેએ તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
અહિલ્યાનગરમાં મેળાની રાઇડમાં લોખંડનો રૉડ ખૂલી જતાં યુવતી ફંગોળાઈ
ADVERTISEMENT
અહિલ્યાનગર જિલ્લાના જામખેડ ખાતે નાગેશ્વર યાત્રા નિમિત્તે યોજાયેલા મેળામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવતી ચાલુ રાઇડમાંથી નીચે પટકાતાં ગંભીર રીતે જખમી થઈ હતી. ચાલુ રાઇડ દરમ્યાન સુરક્ષા માટેનો લોખંડનો રૉડ અચાનક ખૂલી જતાં યુવતી જોરદાર ઝડપે ફંગોળાઈ ગઈ હતી જેનાથી સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. નીચે પટકાતાં ઈજાગ્રસ્ત યુવતીને તરત જ નજીકની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓએ મેળાઓમાં ચાલતી રાઇડ્સની સુરક્ષા તપાસ અને સંચાલકો સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.
