No parking space, no car in Maharashtra: ભીડને પહોંચી વળવા મહારાષ્ટ્ર સરકારની નવી નીતિ; પાર્કિંગની જગ્યા નહીં હોય તો કારનું રજીસ્ટ્રેશન નહીં થાય; પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે મુક્યો પ્રસ્તાવ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મહારાષ્ટ્ર (Maharashtra)ના દરેક શહેરમાં અત્યારે એક સમસ્યા બહુ મોટી છે અને તે છે પાર્કિંગની સમસ્યા. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) રાજ્યમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નવો નિયમ લાગૂ કરવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર વાહન ખરીદદારો માટે નવો નિયમ લાવશે કે, જો પાર્કિંગની જગ્યા નહીં હોય તો કારનું રજીસ્ટ્રેશન (No parking space, no car in Maharashtra) નહીં થાય.
મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે જે હેઠળ લોકોએ કાર ખરીદતા પહેલા તેમની પાર્કિંગ જગ્યા જણાવવી ફરજિયાત રહેશે. મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક (Pratap Sarnaik)એ આ દરખાસ્તની જાહેરાત કરી હતી, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં વધતા ટ્રાફિક જામની સમસ્યાને નિયંત્રિત કરવાનો છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે સોમવારે જાહેરાત કરી હતી કે, વાહન ખરીદદારો સંબંધિત નાગરિક સંસ્થા તરફથી ફાળવેલ પાર્કિંગ જગ્યાનો પુરાવો ન આપે ત્યાં સુધી નવા વાહનોની નોંધણી કરવામાં આવશે નહીં. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (Mumbai Metropolitan Region - MMR)માં વધતી જતી પાર્કિંગ કટોકટી અને ટ્રાફિક ભીડને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની નવી પાર્કિંગ નીતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, ‘ગીચ વસ્તીવાળા શહેરોમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે.’ તેમણે કહ્યું કે, ‘લોન પર ખરીદેલા એક બેડરૂમ ફ્લેટમાં રહેતા લોકો જાહેર રસ્તાઓ પર પોતાની કાર પાર્ક કરી રહ્યા છે કારણ કે તેમની પાસે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા નથી.’
પ્રતાપ સરનાઈકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જાહેર સ્થળોએ વાહનોના અનિયંત્રિત પાર્કિંગથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી કટોકટી સેવાઓમાં અવરોધનો સમાવેશ થાય છે.’ તેમણે કહ્યું કે, ‘ઘણી સોસાયટીઓમાં, ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવે છે, જે કટોકટી સેવાઓના સંચાલનમાં અવરોધ ઉભો કરે છે.’
સરનાઈકે સ્પષ્ટતા કરી કે, ‘આ નીતિ આર્થિક રીતે નબળા વર્ગની વિરુદ્ધ નથી. જેમની પાસે ખાનગી પાર્કિંગ સુવિધા નથી તેઓ જાહેર પાર્કિંગમાં જગ્યા અનામત રાખીને કાર ખરીદી શકે છે’. તેમણે કહ્યું કે, ‘અમે એવું નથી કહેતા કે ગરીબ લોકોએ કાર ન ખરીદવી જોઈએ, પરંતુ તેમણે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે.’
તેમનું માનવું છે કે, આ નીતિ અંગે વિરોધ અને ટીકા થઈ શકે છે, પરંતુ ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે આ પગલું જરૂરી છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો આ નિર્ણયની પ્રશંસા કરશે, જ્યારે કેટલાક તેની ટીકા કરશે. પરંતુ સરકારે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો પડશે.’
‘ખાનગી વાહનો પર નિર્ભરતા ઘટાડવા માટે જાહેર પરિવહનને સુધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આમાં મેટ્રો રેલ અને અન્ય સેવાઓનો વિસ્તરણ સામેલ છે.’, એમ પ્રતાપ સરનાઈકે ઉમેર્યું હતું.

