મુંબઈનાં જાહેર બગીચાઓ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ્સ પર સલામતીને મજબૂત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં જાહેર બગીચાઓ અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ્સ પર સલામતીને મજબૂત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ તમામ બગીચા અને ગ્રાઉન્ડ્સ પર ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડી દેવાની યોજના છે. અત્યારે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરનાં અમુક બગીચાઓ અને મેદાનોમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે CCTV કેમેરા લગાડવાની કામગીરીની શરૂઆત કરવામાં આવશે.
મુંબઈમાં ૩૦૦થી વધુ જાહેર બગીચાઓ અને લગભગ ૪૦૦ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે. જોકે આ બગીચાઓ અને મેદાનોની જાળવણી બરાબર ન હોવાની ફરિયાદો વારંવાર ઊઠતી હોય છે. આવાં મેદાનોમાં તોડફોડ અને ચોરી જેવી ઘટનાઓ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે મોટા ભાગના લોકો વૉક માટે કે ફરવા માટે બગીચા કે મેદાનમાં જાય છે ત્યારે અંધારાને લીધે ગુનાખોરીની શક્યતા પણ વધારે રહે છે. અમુક બગીચાઓમાં સિક્યૉરિટી ગાર્ડ્સ હોવા છતાં ગુના બનતા હોવાનું સામે આવ્યું હતું.


