આવી દલીલ સાથે ખોટી જાહેરાત દ્વારા ગેરમાર્ગે દોરવા બદલ કન્ઝ્યુમર કોર્ટમાં સલમાન ખાન સામે ફરિયાદ
સલમાન ખાન
સલમાન ખાન વિરુદ્ધ રાજસ્થાનમાં કોટાની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવતાં તે કાયદાની આંટીઘૂંટીમાં ફસાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજસ્થાન હાઈ કોર્ટના વકીલ મોહન સિંહ હનીએ સલમાન ખાન અને તેને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે સાઇન કરનાર કંપની રાજશ્રી પાનમસાલા વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં આ ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કંપનીની પાનમસાલાની જાહેરાતો દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આ મામલે કોટાના એક ગ્રાહકે સલમાનને ખોટી જાહેરાત કરવા બદલ નોટિસ ફટકારી છે.
ADVERTISEMENT
મોહન સિંહ હનીએ કોર્ટમાં રજૂ કરેલી અરજીમાં જણાવ્યું કે રાજશ્રી પાનમસાલા બનાવતી કંપની અને તેનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સલમાન પ્રોડક્ટને કેસરયુક્ત ઇલાયચી અને કેસરયુક્ત પાનમસાલા તરીકે બતાવીને ભ્રામક જાહેરાત કરી રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે આ દાવાઓ સાચા હોઈ શકે નહીં, કારણ કે લગભગ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું કેસર પાંચ રૂપિયાના પાનમસાલામાં હોય એ શક્ય નથી.
આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ‘સલમાન ખાન ઘણા લોકો માટે આદર્શ છે. અમે કોટાની ગ્રાહક અદાલતમાં તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને સુનાવણી માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. વિદેશોમાં સેલિબ્રિટીઓ કોલ્ડ ડ્રિન્ક્સની પણ જાહેરાત નથી કરતા, પણ અહીં તેઓ તમાકુ અને પાનમસાલાની જાહેરાતો કરી રહ્યા છે. હું તેમને વિનંતી કરું છું કે તેઓ યુવાનોમાં ખોટો સંદેશ ન ફેલાવે, કારણ કે પાનમસાલા મુખના કૅન્સરનું મુખ્ય કારણ છે.’
આ ફરિયાદ બાદ કોટાની ગ્રાહક અદાલતે સલમાન ખાનને નોટિસ જાહેર કરીને ઔપચારિક જવાબ માગ્યો છે. હવે નિર્માતા કંપની અને અભિનેતા બન્નેના જવાબની રાહ જોવામાં આવી રહી છે. આ મામલે આગામી સુનાવણી ૨૭ નવેમ્બરે થશે.


