આ માનસિક તનાવને કારણે ટીચરે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાની જાણકારી મળી હતી.
પ્રતીકાત્મક તસવીર
સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયાની જવાબદારીના કારણે કામનો બોજો વધી જતાં એક ટીચરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર ટીચરને સોમવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે હવે તેમની હાલત સ્થિર હોવાનું હૉસ્પિટલના પ્રશાસને જણાવ્યું હતું. વારંવાર SIRને સંબંધિત પૂછપરછ માટે લોકોના આવતા ફોનકૉલ્સ અને વધારાના કામના બોજને કારણે આ પગલું ભર્યું હોવાનું નિવેદન ટીચરે પોલીસને આપ્યું હતું.
ઘાટકોપરની એક સ્કૂલમાં ૨૩ વર્ષથી ભણાવતાં ટીચર ઉમા ત્રિલોતકરે આપેલા નિવેદન મુજબ તેઓ ઘાટકોપરમાં મોડી રાત સુધી SIRની ડ્યુટી બજાવી રહ્યાં હતાં અને આ કામને લગતા ફોનને કારણે આખો દિવસ તેમને હેરાનગતિ થતી હતી એટલું જ નહીં, જો બૂથ લેવલ ઑફિસર (BLO) તરીકે કામનો તેમનો ૩૦૦૦ ફૉર્મનો ટાર્ગેટ પૂરો નહીં થાય તો તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવાની ધમકીઓ પણ મળતી હતી. આ માનસિક તનાવને કારણે ટીચરે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાની જાણકારી મળી હતી.
ADVERTISEMENT
સ્કૂલે પહોંચ્યા પછી ટીચરે ઊંઘવાની ૮ ગોળી ખાધા બાદ SIRના કામ મુદ્દે પ્રિન્સિપાલ, સ્ટુડન્ટ્સ અને સહકર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. જોકે થોડી જ વારમાં તે બેભાન થઈ જતાં તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.
