મુંબઈનાં કબૂતરખાનાં ખૂલી જશે. કબૂતરોથી કોઈ નુકસાન થતું નથી, જ્યારે ફટાકડાથી વધુ પ્રદૂષણ થાય છે.
મેનકા ગાંધી
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન, ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને પ્રાણીપ્રેમી મેનકા ગાંધીએ ગઈ કાલે વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે ‘મુંબઈનાં કબૂતરખાનાં ખૂલી જશે. કબૂતરોથી કોઈ નુકસાન થતું નથી, જ્યારે ફટાકડાથી વધુ પ્રદૂષણ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કબૂતરખાનાના આ પ્રશ્ન પર નિર્ણય લેવા કમિટી બનાવી છે અને એનો રિપોર્ટ એની તરફેણમાં આવશે.’
ગયા મહિને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કબૂતરોને ખુલ્લામાં ચણ આપવા પર બંધી મૂકી દીધી હતી અને મુંબઈના દાદર સહિત કેટલાંક કબૂતરખાનાંઓ બંધ કરી દીધાં હતાં. મેનકા ગાંધીએ કહ્યું હતું કે ‘આપણા દેશના પાયામાં જ જીવો અને જીવવા દો મુખ્ય છે. કબૂતરોને કારણે કોઈ મર્યું હોય એવું આજ સુધી ક્યારેય બન્યું નથી. કબૂતરો કોઈને નુકસાન પહોંચાડતાં નથી. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આના પર નિર્ણય લેવા કમિટી બનાવી છે, એને એકાદ મહિનો લાગશે. એક વાર એ રિપોર્ટ આવી જશે પછી કબૂતરખાનાં ફરી ખૂલી જશે એવો મને વિશ્વાસ છે. જો કબૂતરોને બીમારી ફેલાવવા બદલ મારી નાખવાના હોય તો એ સામે ફટાકડા પ્રદૂષણના ફેલાવા માટે વધુ જવાબદાર છે. રામ અને સીતાના સમયમાં ફટાકડા નહોતા. લોકોએ દીવડા પ્રગટાવીને અને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરવી જોઈએ. હવે ફટકડાનો સમય પૂરો થઈ ગયો. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.’

