સંચાલક હર્ષ તન્ના પાસે હુક્કાપાર્લર ચલાવવાનું કોઈ પણ પ્રકારનું લાઇસન્સ ન હોવાથી અને જુગારવિરોધી કલમ હેઠળ કાર્યવાહી કરીને તમામની ધરપકડ કરવામાં આવી છે
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના ડૉ. આર. પી. રોડ પર આવેલા દ્વારકા બિલ્ડિંગના ચોથા માળે ગેરકાયદે રીતે ચાલતા હુક્કાપાર્લર અને શ્રાવણ મહિના નિમિત્તે રમાતા તીન પત્તીના જુગારના અડ્ડા પર મુલુંડ પોલીસે રવિવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ ગુપ્ત કાર્યવાહી દરમ્યાન પોલીસે સ્થળ પરથી ૨૯ વર્ષના સંચાલક હર્ષ તન્ના, જુગાર રમતા અને હુક્કાનું સેવન કરતા ગ્રાહકો તથા કામદારો સહિત ૧૪ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકોમાંથી ૧૨ જણ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે.
મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ચોક્કસ બાતમી મળી હતી કે દ્વારકા બિલ્ડિંગમાં કોઈ પરવાનગી વગર ગેરકાયદે રીતે હુક્કાપાર્લર ચાલે છે અને તીન પત્તીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે અમે રવિવારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન ફ્લૅટમાંથી તમાકુજન્ય હુક્કાની વિવિધ ફ્લેવર્સ આપતા કામદારો અને ટેબલ પર પ્લાસ્ટિક ચિપ્સ દ્વારા તીન પત્તાનો જુગાર રમતા લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘટનાસ્થળ પરથી જુગારમાં વપરાતી કાળા, વાદળી અને લાલ રંગની કૉઇન ચિપ્સ, દાવ પર મૂકેલી રોકડ રકમ, મોંઘા મોબાઇલ ફોન અને આશરે ૫૧,૫૦૦ રૂપિયાનો હુક્કાની ફ્લેવર્સનો તમાકુનો જથ્થો જપ્ત કર્યો હતો. સંચાલક હર્ષ તન્ના પાસે હુક્કાપાર્લર ચલાવવાનું કોઈ પણ પ્રકારનું લાઇસન્સ ન હોવાથી અને જુગારવિરોધી કલમ હેઠળ કાર્યવાહી કરીને તમામની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છે. જુગાર રમતા અને હુક્કા પીતા લોકો મુલુંડના રહેવાસી છે.’
