પુણેની ગાર્બેજ પ્લાન્ટ દુર્ઘટના
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પુણે જિલ્લાના મોશી ખાતે આવેલા વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ પર કચરાનો ઢગલો પડતાં બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો છે. સતત ૩ દિવસથી આ કચરા અને કાટમાળમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં એક જણનું મૃત્યુ પણ થયું છે. ૩ દિવસ બાદ શુક્રવારે બચાવ-કામગીરી અત્યંત મહત્ત્વપૂર્ણ અને કટોકટીના તબક્કામાં પ્રવેશી હતી. કાટમાળ હેઠળ હજી પણ ફસાયેલા ૮ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવટુકડીઓએ કાટમાળ હટાવીને એક સેફ ઍક્સેસ રૂટ બનાવવાનું શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતનો આગળનો ભાગ સંપૂર્ણપણે કાટમાળથી બ્લૉક થઈ ગયો છે. આથી ક્ષતિગ્રસ્ત માળખાને પહેલાં સ્થિર કર્યા બાદ બચાવકર્તાઓએ અંદર ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ઇમારતના પાછળના ભાગ તરફથી રસ્તો બનાવવાની વ્યૂહરચના અપનાવી છે.
ઇમારતના પૅન્ટ્રી એરિયામાં જ્યાં લોકો ફસાયા હોવાની આશંકા છે ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ મોટા જથ્થામાં કચરો હટાવવો પડ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે ૮૦ ટકા કચરો સાફ કરી દેવાયો છે. હવે દીવાલોને હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
