સ્લીપર કોચ અને ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં વેઇટિંગ લિસ્ટ પરની ટિકિટ પર પ્રવાસ નહીં કરી શકાય. એ ટિકિટ પર હવે ફક્ત જનરલ કોચમાં જ પ્રવાસ કરી શકાશે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતીય રેલવે દ્વારા પૅસેન્જરોને ઓછી મુશ્કેલીઓ પડે અને તેઓ આરામદાયક પ્રવાસ કરી શકે એ માટે એના કેટલાક નિયમમાં ગઈ કાલે ૧ મેથી ફેરફાર કર્યો છે. ટૂંક સમયમાં જ રેલવે એનાં ભાડાંમાં પણ ફેરફાર કરવાની હોવાના સમાચાર છે.
હવે પછી સ્લીપર કોચ અને ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં વેઇટિંગ લિસ્ટ પરની ટિકિટ પર પ્રવાસ નહીં કરી શકાય. એ ટિકિટ પર હવે ફક્ત જનરલ કોચમાં જ પ્રવાસ કરી શકાશે. જો IRCTCની સાઇટ પરથી ઑનલાઇન ટિકિટ કઢાવી હોય તો એ કન્ફર્મ ન થતી હોય તો ઑટોમેટિક કૅન્સલ થઈ જાય છે, પણ કાઉન્ટર પરથી લીધેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ ન થાય તો પણ પ્રવાસીઓ AC અને સ્લીપર કોચમાં ચડી જતા હતા. જેમની કન્ફર્મ ટિકિટો રહેતી એમની જગ્યા પર તેઓ બેસી જતાં વિવાદ થતો હતો અને લોકોને હાડમારી ભોગવવી પડતી હતી. હવે એ રોજની માથાકૂટ ટાળવા વેઇટિંગ લિસ્ટની ટિકિટ ધરાવનારા લોકોને સ્લીપર અને AC કોચમાં પ્રવાસ કરવાની અનુમતિ નથી. તેમણે જનરલ કોચમાં જ પ્રવાસ કરવો પડશે એવો નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કેટલો દંડ થશે?
હવે જો કોઈ પ્રવાસી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર સ્લીપર કોચમાં પ્રવાસ કરતો પકડાશે તો તેણે ૨૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. એ ઉપરાંત તેણે પૂરું ભાડું ભરવું પડશે અને અંતરના હિસાબે એક્સ્ટ્રા ચાર્જ પણ આપવો પડશે. એ જ પ્રમાણે જો કોઈ પ્રવાસી વેઇટિંગ લિસ્ટની ટિકિટ સાથે થર્ડ AC કે પછી સેકન્ડ ACમાં પ્રવાસ કરતો પકડાશે તો તેણે ૪૪૦ રૂપિયાનો દંડ ભરવો પડશે અને એ ઉપરાંત પૂરું ભાડું અને અંતરના હિસાબે એક્સ્ટ્રા ચાર્જ ભરવો પડશે. સાથે જ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE)ને સત્તા હશે કે તે પ્રવાસીને જનરલ કોચમાં મોકલાવી આપે અથવા આગલા સ્ટેશન પર ટ્રેનમાંથી જ ઉતારી મૂકે. ફર્સ્ટ ક્લાસમાં પણ વગર કન્ફર્મ ટિકિટ પર પ્રવાસ કરવાથી ભારે દંડ ભરવો પડશે.

