૨૦૦૮ની ઘટનામાં પુરાવાના અભાવે થાણે કોર્ટે નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો
ગઈ કાલે થાણે સેશન્સ કોર્ટની બહાર રાજ ઠાકરે.
૨૦૦૮ની ૧૯ ઑક્ટોબરે રેલવે ભરતીની પરીક્ષા દરમ્યાન કલ્યાણ રેલવે-સ્ટેશને થયેલી હિંસાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને નિર્દોષ જાહેર કર્યા હતા. પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
ઘટના વખતે ખાસ કરીને પરપ્રાંતીય ઉમેદવારો પર કલ્યાણ સ્ટેશને હુમલો થયો હતો. જોકે રાજ ઠાકરે એ વખતે ઘટનાસ્થળે હાજર હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં નથી કે પછી કોઈ સાક્ષીદારે પણ મૌખિક રીતે રાજ ઠાકરે ઘટનાસ્થળે હાજર હોવાના પુરાવા નથી આપ્યા એવી દલીલ બચાવ પક્ષે કરી હતી. આ કેસમાં રાજ ઠાકરે ઉપરાંત અન્ય ૭ આરોપીઓને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે બે આરોપીઓ ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામ્યા છે.
