મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કાયદો હાથમાં ન લેવાનું કહ્યું એને પગલે કાર્યકરોને વાર્યા
રાજ ઠાકરે
ગુઢીપાડવાની જાહેર સભામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ રાજ્યની બૅન્કોમાં મરાઠી ભાષામાં કારભાર ન થતો હોય તો એ કરાવવા માટેનું આંદોલન કરવાનો આદેશ પક્ષના કાર્યકરોને આપ્યો હતો. રાજ ઠાકરેના આદેશ બાદથી મનસૈનિકો મુંબઈ સહિત રાજ્યભરની બૅન્કોમાં જઈને મરાઠી ભાષાનો ઉપયોગ કરવા બાબતે અધિકારીઓને નિવેદન આપી રહ્યા છે. મનસૈનિકોના આંદોલનને લીધે મરાઠી અને બિનમરાઠીનો મુદ્દો ગરમાઈ ગયો છે. મનસૈનિકો કાયદો હાથમાં લઈ રહ્યા હોવાની ફરિયાદ મળતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મરાઠી ભાષામાં કારભાર બાબતે કોઈને કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી હતી. મુખ્ય પ્રધાનની અપીલને પગલે રાજ ઠાકરેએ ગઈ કાલે એક પત્ર લખીને મનસૈનિકોને તાત્પૂરતું આંદોલન રોકવાનો આદેશ આપ્યો હતો.
રાજ ઠાકરેએ પત્રમાં લખ્યું હતું કે ‘ગુઢી પાડવાની સભામાં બૅન્કોમાં મરાઠી ભાષામાં કારભાર થાય છે કે નહીં એ જોવાનો આદેશ આપ્યો હતો. સભાના બીજા દિવસથી તમે રાજ્યની બૅન્કોમાં જઈને મરાઠી ભાષામાં કારભાર કરવા બાબતે વ્યાપક આંદોલન કરીને પક્ષની તાકાત બતાવી એ માટે તમને દિલથી અભિનંદન. આ આંદોલન અને અવાજ ઉઠાવવાને પગલે મરાઠી ભાષામાં કારભાર સંબંધે સારીએવી જાગૃતિ આવી છે એટલે આ આંદોલન હવે રોકી દેવું જોઈએ. તમે તમારું કામ કરી દીધું. રિઝર્વ બૅન્કનો નિયમ સરકારને ખબર છે અને એ નિયમની અમલબજાવણી કરવાની જવાબદારી સરકારની છે. મુખ્ય પ્રધાને કોઈને કાયદો હાથમાં ન લેવાનું કહ્યું છે. કાયદો હાથમાં લેવાની અમારી પણ ઇચ્છા નથી, પણ તમે કાયદાના રક્ષક છો એટલે રિઝર્વ બૅન્કના નિયમને તમે અમલમાં મૂકો; તમે બૅન્ક અને બીજા સરકારી વિભાગોને મરાઠી ભાષાનું સન્માન કરવાનું કહો.’

