પરપ્રાંતીયોની મારપીટના ૨૦૦૮ના કેસમાં રાજ ઠાકરેએ કોર્ટમાં કહ્યું... આ ઘટના સાથે મારો કોઈ સંબંધ નથી, હું તો ત્યારે નાશિકમાં હતો
રાજ ઠાકરે
કલ્યાણ રેલવે-સ્ટેશન પર ૨૦૦૮માં પરપ્રાંતીયોની મારપીટ કરવાના કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે બુધવારે થાણે કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજ ઠાકરેએ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે ‘આ ઘટના સાથે મારો કોઈ સંબંધ નથી. હું એ દિવસે નાશિકમાં હતો, અહીં હાજર જ નહોતો. મારા પર મૂકવામાં આવેલા આરોપો ખોટા છે.’
થાણે કોર્ટના જજ વી. કુલકર્ણીએ રાજ ઠાકરેને ૭ સવાલ પૂછ્યા હતા, જેનો ટૂંકમાં જવાબ આપીને રાજ ઠાકરેએ પોતાના પર મુકાયેલા બધા જ આરોપો ફગાવી દીધા હતા.
કેસના સાક્ષી રઘુનાથ શેલાર અને અન્ય સાક્ષીદારોનાં નામ લઈને તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો હોવાનું જજે રાજ ઠાકરેને જણાવ્યું હતું. રહીમ શેખ નામના ફરિયાદીની ફરિયાદ બાદ આરોપી આકાશ કાળેની તપાસ કરાઈ ત્યારે તેના ખિસ્સામાંથી MNSનું ઓળખપત્ર મળ્યું હોવાનું રાજ ઠાકરેને જણાવાયું હતું. જોકે રાજ ઠાકરેએ આ આરોપ પણ નકારી કાઢ્યો હતો.
