રવિવારે સવારે ૭ વાગ્યે ખારઘરમાં રહેતા આરોપી ડ્રાઇવરે મહાત્મા ફુલેનગર નજીક ચાર જણને અડફેટે લીધા હતા
રવિવારે સવારે થયેલા અકસ્માતના સ્થળ નજીક ભેગા થયેલા લોકો અને અકસ્માતમાં જખમી થયેલી મહિલા
પવઈના જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ (JVLR) પર મહાત્મા ફુલે નગર નજીક રવિવારે સવારે ૭ વાગ્યે ઝડપથી દોડતી એક કારે પહેલાં બાઇકને ટક્કર મારી અને ત્યાર બાદ પગપાળા જતા ૪ જણને અડફેટે લીધા હતા. ઘટના પછી ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલે પવઈ પોલીસે ૧૯ વર્ષના કારચાલક વિકાસ સિંધુની અટકાયત કરીને તેની સામે હિટ ઍન્ડ રનની ફરિયાદ નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં ઈજાની ગંભીરતા સ્પષ્ટ જોવા મળે છે.
પવઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘રવિવારે સવારે ૭ વાગ્યે ખારઘરમાં રહેતા આરોપી ડ્રાઇવરે મહાત્મા ફુલેનગર નજીક ચાર જણને અડફેટે લીધા હતા. એ સમયે આરોપી પોતાની કાર લઈને નાસી ગયો હતો. જોકે પછીથી તેણે વિક્રોલી પાર્કસાઇટ નજીક ટ્રાફિક-પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કારમાં એ સમયે અન્ય બે જણ બેઠા હતા. રવિવારે સવારે એક મહિલા અચાનક કારની આગળ આવી જતાં ડ્રાઇવરે કાર વાળવાની કોશિશ કરી હતી, પરંતુ એ સમયે રોડ પર જઈ રહેલા લોકો કારની અડફેટે આવી ગયા હતા. એ પછી ભેગા થયેલા લોકોથી ગભરાઈને ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ૪૫ વર્ષની મનીષા સાવંતને ગંભીર ઈજા સાથે સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એ ઉપરાતં નાથા પરગાવકર, અમ્માચાર પાંડે અને ૧૩ વર્ષની ધનુષ પાંડેને પણ ઈજા થઈ હતી.’
