પાંચ આરોપીઓની પોલીસ-કસ્ટડી ૧૧ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ
ગઈ કાલે એસ્પ્લેનેડ કોર્ટમાં પાંચેય આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. (તસવીર : અતુલ કાંબળે)
ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક વ્યક્તિની ધરપકડ થઈ છે. આરોપીઓ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના ભાગેડુ સભ્ય શુભમ લોણકરના નિર્દેશ પર કામ કરી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
પુણેનો આસારામ ફસાલે આ કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરેલી પાંચમી વ્યક્તિ છે. કોર્ટે તેને ૧૧ ફેબ્રુઆરી સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલ્યો છે અને અન્ય ૪ આરોપીઓની કસ્ટડી પણ ત્યાં સુધી લંબાવી છે. પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર આસારામ ફસાલેએ પૂરું પાડ્યું હોવાની શંકા છે.
ADVERTISEMENT
રવિવારે રાતે ૧૨.૪૫ વાગ્યે જુહુમાં રોહિત શેટ્ટીના ૯ માળના બિલ્ડિંગના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક ગોળી બિલ્ડિંગની અંદરના જિમના કાચમાં વાગી હતી. આ કેસમાં ગોળીબાર કરનારની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી.
પોલીસે જણાવ્યું હતું કે બધા આરોપીઓ શુભમ લોણકરના સંપર્કમાં હતા, જેને કેસમાં વૉન્ટેડ આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. શુભમ લોણકર રાજકારણી બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસોમાં પણ વૉન્ટેડ છે.
પકડાયેલા એક આરોપી પાસેથી એક પિસ્તોલ, ત્રણ મૅગેઝિન અને એક ઍર ગન જપ્ત કરવામાં આવી હતી.
ગુરુવારે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ‘બધા આરોપીઓ શુભમ લોણકરના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. વધુ તપાસ માટે તેમની મહત્તમ કસ્ટડીની માગણી પણ કરી હતી.’ સ્વપ્નિલ સકટ વતી હાજર રહેલાં ઍડ્વોકેટ અર્ચના માનેએ જણાવ્યું હતું કે તેના પર સિગ્નલ ઍપ દ્વારા શુભમ લોણકરના સંપર્કમાં હોવાનો આરોપ છે, પરંતુ તેની કસ્ટડીની જરૂર નથી કારણ કે પોલીસે તેનો ફોન પહેલેથી જ જપ્ત કરી લીધો છે. અન્ય ૩ આરોપીના વકીલે દલીલ કરી હતી કે તેમણે ફક્ત એક મોટરસાઇકલ વેચી હતી અને એનો ઉપયોગ કેવી રીતે થશે એની આરોપીઓને કોઈ ખબર નહોતી.
તમામ દલીલો સાંભળ્યા પછી ઍડિશનલ ચીફ જુડિશિયલ મૅજિસ્ટ્રેટ વી. આર. પાટીલે જણાવ્યું હતું કે ગુનો ગંભીર પ્રકારનો છે અને વધુ તપાસની જરૂર છે. ઉપરાંત આસારામ ફસાલેની ગુરુવારે જ ધરપકડ કરવામાં આવી હોવાથી સંયુક્ત પૂછપરછ જરૂરી છે એમ નોંધીને ન્યાયાધીશે આરોપીઓની પોલીસ-કસ્ટડી ૧૧ ફેબ્રુઆરી સુધી મંજૂર કરી હતી.


