વિરારની RPFની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રેનના ન્યુ યાર્ડમાંથી તેની બૅગ શોધી કાઢી હતી અને યોગ્ય ચકાસણી બાદ તેને સોંપી દીધી હતી.
વિરારમાં RPFની ચોકીમાં યુવતીને બૅગ પાછી સોંપવામાં આવી હતી
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની સતર્કતાને કારણે વિરાર સ્ટેશને એક મહિલા પ્રવાસીને તેનો ખોવાયેલો સામાન ગણતરીના કલાકોમાં હેમખેમ પાછો મળી ગયો હતો. વિરારની RPFની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રેનના ન્યુ યાર્ડમાંથી તેની બૅગ શોધી કાઢી હતી અને યોગ્ય ચકાસણી બાદ તેને સોંપી દીધી હતી.
આ ઘટના ૨૮ મેએ રાતે ૧૨.૧૦ વાગ્યે વિરાર રેલવે-સ્ટેશન પર બની હતી. ૨૭ વર્ષની દિવ્યા દત્ત અંધેરીથી લોકલ ટ્રેન પકડીને વિરાર આવી હતી. સ્ટેશન પર ઊતરતી વખતે ઉતાવળમાં તે પોતાની બૅગ ટ્રેનની અંદર જ ભૂલી ગઈ હતી. ટ્રેન પ્લૅટફૉર્મ પરથી રવાના થઈ ગયા બાદ તે યુવતીને સામાન યાદ આવતાં જ તેણે ગભરાયેલી હાલતમાં વિરાર સ્ટેશન પર તહેનાત RPFના કૉન્સ્ટેબલનો સંપર્ક કર્યો હતો. ટ્રેનને વિરારના ન્યુ યાર્ડ ખાતે મોકલી દેવામાં આવી હોવાની માહિતી મળતાં જ કૉન્સ્ટેબલો દોડતા યાર્ડમાં પહોંચ્યા હતા. તેમણે ટ્રેનના ડબ્બાઓમાં ઝીણવટભરી તપાસ કરી હતી અને આખરે યુવતીની બિનવારસી પડેલી બૅગ સુરક્ષિત રીતે શોધી કાઢીને RPF ચોકી પર લાવ્યા હતા. RPFની ચોકી પર લવાયેલી બૅગની ખરાઈ કર્યા બાદ યુવતીને સોંપવામાં આવી હતી.
