આ કેસમાં આગળનાં ફુટેજ મેળવી આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
વેપારીની કારનો તૂટેલો કાચ.
નવી મુંબઈની APMC મસાલા માર્કેટ નજીક શુક્રવારે ધોળે દિવસે એક વેપારીની કારનો કાચ તોડીને એમાંની ૪ લાખ રૂપિયા ભરેલી બૅગ ચોરીને બે અજાણ્યા યુવકો નાસી ગયા હતા. આ મામલે વેપારીએ APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો વ્યવસાય કરતા આ વેપારી મસાલા માર્કેટના એક ગુજરાતી વેપારી પાસેથી પૈસા લઈને બહાર નીકળ્યા બાદ પોતાની કાર રસ્તા પર પાર્ક કરીને ચા પીવા ગયા હતા. એનો ફાયદો ઉઠાવી તસ્કરોએ માત્ર ત્રણ મિનિટમાં કારનો કાચ તોડીને રોકડ રૂપિયા ભરેલી બૅગ ચોરી લીધી હતી. થોડા દિવસ પહેલાં પણ મસાલા માર્કેટના એક વેપારીના ગોડાઉનમાંથી અંદાજે ૪૮ લાખ રૂપિયાની ચોરી થઈ હતી જેમાં પોલીસ હજી સુધી આરોપીઓને પકડવામાં સફળ થઈ નથી એને કારણે એટલા વિસ્તારમાં વેપારીઓમાં ચિંતા વધી છે.
શું બન્યું હતું?
નામ ન આપવાની શરતે એ વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે ૪.૪૦ વાગ્યે મેં મસાલા માર્કેટમાં મારા એક મિત્ર પાસેથી ૪ લાખ રૂપિયા લીધા હતા જે કાળી થેલીમાં રાખીને એ થેલી કારની પાછળની સીટ પર મૂકી હતી. ત્યાર બાદ હું કાર લઈને માર્કેટમાંથી નીકળી રહ્યો હતો ત્યારે સામે આવેલી નાગોરી ચાની દુકાનમાં ચા પીવા માટે રોકાયો હતો. કાર રસ્તા પર પાર્ક કરીને મેં સામેના રોડ પર આવેલી દુકાનમાં જઈને ચા મગાવી હતી. ચાવાળાએ મારા હાથમાં ચા આપતાં મારી નજર કાર તરફ ગઈ હતી જ્યાં બે અજાણ્યા લોકો કારની નજીક કંઈક કરતા દેખાયા એટલે હું તરત જ રસ્તો ક્રૉસ કરીને કાર તરફ દોડ્યો હતો, પણ એ પહેલાં બન્ને યુવકો બાઇક પર રોકડ ભરેલી થેલી લઈને નાસી ગયા હતા. અંતે મેં APMC પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
પોલીસ શું કહે છે?
APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક આરોપીએ કાળી હેલ્મેટ પહેરી હતી જ્યારે બીજી વ્યક્તિના ચહેરા પર માસ્ક હોવાનું નજીકના CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું છે. આ કેસમાં આગળનાં ફુટેજ મેળવી આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.’
