એના બદલામાં એસજીએનપી ગુજરાતને બે બેન્ગૉલ ટાઇગર આપશે
ફાઇલ તસવીર
જો બધું નક્કી થયા મુજબ પાર પડ્યું તો સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ને કૅપ્ટિવ લાયન સફારી માટે ગુજરાતથી બે એશિયાઈ સિંહ મળશે. આની સામે એસજીએનપી ગુજરાતને બે બૅન્ગોલ ટાઇગર આપશે. આ માટે રાજ્યના વન્ય વિભાગે મંજૂરી આપી છે અને એની જાણ સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી (સીઝેડએ)ને કરી છે.
પ્રાણીઓના આદાનપ્રદાન માટે જે વાત નક્કી થઈ છે એ અનુસાર એસજીએનપી બે વાઘ ગુજરાતના જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂલૉજિકલ પાર્કને આપશે.
ADVERTISEMENT
નવેમ્બર ૨૦૨૨ના છેલ્લા વીકમાં સક્કરબાગ ઝૂલૉજિકલ પાર્કમાંથી બે કૅપ્ટિવ લાયનને એસજીએનપીમાં લાવવામાં આવ્યા હતા. એ સમયે એસજીએનપીમાં માત્ર એક સિંહ બચ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે એ પણ મૃત્યુ પામ્યો હતો. ઑક્ટોબર ૨૦૨૨માં એસજીએનપી ખાતેનો રવીન્દ્ર નામનો સૌથી મોટી ઉંમરનો સિંહ પણ મૃત્યુ પામ્યો હતો.
એસજીએનપીમાં કૅપ્ટિવ લાયન સફારી ૧૯૭૫-’૭૬માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી એ એક મોટું ટૂરિસ્ટ અટ્રૅક્શન બની છે. સફારીમાં એશિયામાં જન્મેલા તેમ જ આફ્રિકામાં જન્મેલા સિંહ હતા, પરંતુ સેન્ટ્રલ ઝૂ ઑથોરિટીએ એવો આદેશ આપ્યો હતો કે એશિયાઈ અને આફ્રિકી સિંહો વચ્ચે પ્રજનન ન થવું જોઈએ. આ કારણથી એસજીએમપીમાં સિંહોની સંખ્યા વધી નહોતી.
સપ્ટેમ્બર ૨૦૨૨માં મહારાષ્ટ્રના વન્યપ્રધાન સુધીર મુનગંટીવારે ગુજરાતના વન્યપ્રધાન જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત કરી હતી અને બે બંગાળી વાઘના બદલામાં બે એશિયાઈ સિંહ મેળવવા માટે રજૂઆત કરી હતી.
એસજીએનપીમાં કૅપ્ટિવ ટાઇગર અને લાયન સફારીની શરૂઆત ૯૦ના દાયકામાં થઈ હતી અને ત્યારથી એ પર્યટકો માટે મોટું આકર્ષણ બની રહી છે. સફારીમાં પર્યટકોને એક વાહનમાં બેસાડીને ચારે તરફ વાડવાળા વિસ્તારમાં ફેરવવામાં આવે છે, જેથી તેઓ ખુલ્લામાં વિહરતા સિંહોને જોઈ શકે.