ભારતીય ન્યાય સંહિતા (મહારાષ્ટ્ર અમેન્ડમેન્ટ) બિલ 2026 પાસ થઈ ગયું, શક્તિ બિલની જોગવાઈઓ મુજબ કોઈ પણ રીતે ઍસિડ-અટૅક સર્વાઇવરની ઓળખ જાહેર નહીં કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનપરિષદે બુધવારે સર્વાનુમતે ભારતીય ન્યાય સંહિતા (મહારાષ્ટ્ર અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૬ પાસ કર્યું. ઍસિડ-અટૅકના પીડિતોની ઓળખ સુરક્ષિત રાખવા અને ડિજિટલ પ્લૅટફૉર્મ થકી થતા જાતીય શોષણ માટે જેલની સજા બાબતે રજૂ થયેલા શક્તિ બિલની જોગવાઈઓનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે.
ભારતીય ન્યાય સંહિતા (મહારાષ્ટ્ર અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૬માં બે જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. દેવેન્દ્ર ફડણવીસે વિધાનપરિષદમાં જણાવ્યું હતું કે આ જોગવાઈઓમાંથી એકનો હેતુ ઍસિડ-હુમલાનો ભોગ બનેલા લોકો ઉપરાંત બળાત્કાર અને જાતીય સતામણીનો ભોગ બનનારનાં નામ પણ સુરક્ષિત રાખવાનો છે તેમ જ ઍસિડ-અટૅકના પીડિતની ઓળખ કોઈ પણ રીતે છતી કરી
શકશે નહીં.
ADVERTISEMENT
મહિલા વિરુદ્ધ થતાં ડિજિટલ ક્રાઇમ વિશેની જોગવાઈમાં શેનો સમાવેશ થશે
સોશ્યલ મીડિયા, ઈ-મેઇલ, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ સહિત લેટેસ્ટ કમ્યુનિકેશન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવતા ગુનાઓને આવરી લેવામાં આવ્યા છે. આ ચૅનલો દ્વારા અશ્લીલ અથવા અપમાનજનક મેસેજ મોકલવાને હવે ક્રિમિનલ કેસ ગણવામાં આવશે.
મહિલાના મૉર્ફ કરેલા અથવા ઓરિજિનલ ફોટો કે વિડિયોને એની સંમતિ વિના અપલોડ અથવા શૅર કરવાની ધમકી આપવી, સેક્સ્યુઅલ કન્ટેન્ટ બતાવવું કે વાઇરલ કરવું.
મહિલાઓને બદનામ કરવા, તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અથવા તેમના નામ અથવા ફોટોનો દુરુપયોગ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો.
આ ગુનાઓ બદલ ૩ વર્ષની જેલ અને દંડનો સમાવેશ થાય છે.
