ક્યાંક આશીર્વાદ તો ક્યાંક મફત રૅશનના બહાને વૃદ્ધાઓને નિશાન બનાવીને લાખો રૂપિયાના દાગીના લૂંટી લીધાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં સિનિયર સિટિઝન નાગરિકોના ભોળપણનો લાભ ઉઠાવીને તેમને લૂંટતી ગૅન્ગ ફરી સક્રિય બની છે. દાદર અને થાણેમાં શુક્રવારે છેતરપિંડીની બે ઘટના બની છે જેમાં ગઠિયાઓએ ૭૫ વર્ષથી વધુ વયની બે સિનિયર સિટિઝન મહિલાઓને વાતોમાં ભોળવીને લાખો રૂપિયાના સોનાના દાગીના હાથચાલાકીથી પડાવી લીધા છે. દાદરમાં એક ગઠિયાએ નવી દુકાન ખોલવા માટે ‘આશીર્વાદ’ લેવાના બહાને ૩ લાખના દાગીના સેરવી લીધા હતા તો બીજી તરફ થાણેમાં ‘મફત રૅશન અને રોકડ’ સહાયની લાલચ આપીને સિનિયર સિટિઝન મહિલાનું ચાર લાખ રૂપિયાનું મંગળસૂત્ર પડાવી લીધું હતું.
દાદરમાં આશીર્વાદ લેવાના બહાને ગઠિયો ત્રણ લાખના દાગીના લઈને ફરાર થઈ ગયો
દાદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર-વેસ્ટના દત્તાત્રય રાઉત રોડ પર રહેતાં ૭૮ વર્ષનાં એક મહિલા શુક્રવારે સવારે પોતાના ઘરેથી મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે હેલ્મેટ અને માસ્ક પહેરેલા એક અજાણ્યા યુવકે તેમને રોક્યાં હતાં. યુવકે પોતે જૈન હોવાનું જણાવીને નજીકના મંદિરમાં સાંઈબાબાને હાર ચડાવવા વિનંતી કરી હતી. ત્યાર બાદ નવી સોનાની દુકાન ખોલવા માટે તમારા આશીર્વાદ જોઈએ છે કહીને તેમને વાતોમાં ભોળવીને તેમની બે તોલાની સોનાની માળા અને પાંચ ગ્રામની વીંટી કાઢીને ભગવાન પાસે મૂકવાનું કહીને ગઠિયાએ હાથચાલાકીથી ત્રણ લાખ રૂપિયાના દાગીના તફડાવી લીધા હતા. એ પછી પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ADVERTISEMENT
થાણેમાં વૃદ્ધ મહિલાને મફત રૅશનની લાલચ આપીને ગઠિયાઓ મંગળસૂત્ર લઈને નાસી ગયા
વર્તકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના કોપરી વિસ્તારમાં રહેતાં ૭૭ વર્ષનાં એક મહિલા શુક્રવારે બપોરે તેમના દીકરાને મળીને ઘરે આવી રહ્યાં હતાં ત્યારે વર્તકનગરના સિગ્નલ નજીક કોરસ ટાવર પાસે અજાણ્યા યુવકોએ તેમને અટકાવ્યાં હતાં. ગઠિયાઓએ મોટા શેઠ ગરીબોને મફત રૅશન અને ૨૫૦૦ રૂપિયા આપે છે એવી લાલચ બતાવીને મહિલાને વાતોમાં ભોળવ્યાં હતાં. ત્યાર બાદ મંગળસૂત્ર જોઈને શેઠ રૅશન નહીં આપે એવું કહીને ગઠિયાઓએ મહિલાનું સોનાનું મંગળસૂત્ર કઢાવીને એક પ્લાસ્ટિકની થેલીમાં રખાવ્યું હતું. એ પછી ગઠિયાઓએ હાથચાલાકીથી મંગળસૂત્ર કાઢી લઈને મહિલાને ગાંઠ મારેલી ખાલી થેલી પધરાવી દીધી હતી. એ પછી રૅશન લઈને આવીએ છીએ કહીને તેઓ પલાયન થઈ ગયા હતા. ઘણા સમય સુધી કોઈ પાછું ન આવતાં મહિલાએ થેલી તપાસી તો એમાં મંગળસૂત્ર નહોતું. અંતે તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
