હાલમાં રશિયા પાસે ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતી ‘સરમત’ અને ચીન પાસે ‘ડૉન્ગફૅન્ગ-૪૧’ જેવી મિસાઇલો છે
ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
સંરક્ષણક્ષેત્રે ભારતે શુક્રવારે એક નવો ઇતિહાસ રચ્યો છે. ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા શુક્રવારે સાંજે ઓડિશાના દરિયાકાંઠેથી પરમાણુક્ષમતા ધરાવતી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૅલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ ૧૨,૦૦૦ કિલોમીટર સુધીના અંતરે પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતને વિશ્વના અત્યંત શક્તિશાળી દેશોની હરોળમાં લાવી દે છે.
અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા પાસે જ ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતી ICBM ટેક્નૉલૉજી ઉપલબ્ધ હતી. ફ્રાન્સ અને બ્રિટન પાસે સબમરીન-લૉન્ચ્ડ બૅલિસ્ટિક મિસાઇલ (SLBM) ટેક્નૉલૉજી છે, પરંતુ આજના પરીક્ષણ બાદ ભારત હવે આ વિશિષ્ટ ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ મિસાઇલની રેન્જમાં હવે અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશો આવી જશે જે ભારતની વૈશ્વિક વ્યૂહાત્મક પહોંચમાં મોટો વધારો કરશે.
ADVERTISEMENT
વૈશ્વિક પ્રભુત્વ અને સુરક્ષા-કવચ
હાલમાં રશિયા પાસે ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતી ‘સરમત’ અને ચીન પાસે ‘ડૉન્ગફૅન્ગ-૪૧’ જેવી મિસાઇલો છે. ભારતની આ નવી સિદ્ધિ પરમાણુ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા (Second Strike Capability)ને મજબૂત કરે છે. જટિલ રૉકેટ પ્રોપલ્શન, ગાઇડન્સ સિસ્ટમ અને રી-એન્ટ્રી ટેક્નૉલૉજીમાં મેળવેલી આ મહારત ભારતની સુરક્ષાને અભેદ્ય બનાવશે અને ભવિષ્યમાં કોઈ પણ દેશને ભારત પર હુમલો કરતાં પહેલાં ૧૦૦ વાર વિચારવા મજબૂર કરશે.
