બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૯માં અપાયેલા સમન્સ રદ કરવાનો ઇનકાર કર્યો
રાહુલ ગાંધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ અને માનહાનિજનક ટિપ્પણી કરવા બદલ કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીને બૉમ્બે હાઈ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. હાઈ કોર્ટે ૨૦૧૯માં મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અપાયેલા સમન્સને રદ કરવાની રાહુલ ગાંધીની અરજી મંગળવારે ફગાવી દીધી છે.
હાઈ કોર્ટના જસ્ટિસ એન. આર. બોરકરની સિંગલ બેન્ચે મૅજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કોઈ કાયદાકીય ખામી કે ગેરરીતિ ન હોવાનું નોંધીને રાહુલ ગાંધીની અરજી રદ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે રાહુલ ગાંધીને સમય આપતાં હાઈ કોર્ટે મૅજિસ્ટ્રેટ કોર્ટની સુનાવણી પર આપેલો સ્ટે વધુ ૬ અઠવાડિયાં લંબાવ્યો છે, જેના કારણે તેમણે તરત મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવું પડશે નહીં.
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર એમ. એચ. શ્રીશ્રીમાલે રાહુલ ગાંધીની ટિપ્પણી સામે ગિરગામની મૅજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. રાહુલ ગાંધી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ ટિપ્પણી વ્યક્તિગત હતી અને ફરિયાદ કરનાર વ્યક્તિ આમાં પક્ષકાર બનતી નથી.
જોકે હાઈ કોર્ટે આ દલીલ ફગાવતાં સ્પષ્ટ કર્યું હતું કે ‘BJP એક ચોક્કસ સંગઠન અને કૅડર-આધારિત પક્ષ છે. ફરિયાદ કરનાર ૨૦૧૮થી BJPનો સક્રિય સભ્ય હોવાથી પોતાના પક્ષના નેતા સામેની ટિપ્પણીથી તે પણ પીડિત પક્ષકાર ગણાય એટલે મૅજિસ્ટ્રેટ કોર્ટે જાહેર કરેલા સમન્સ કાયદેસર રીતે યોગ્ય છે.’
