તેની બૅન્ગલોરની રેસ્ટોરાં સામે FIR અને મુંબઈની બૅસ્ટિયન પર ઇન્કમ ટૅક્સના દરોડાની કાર્યવાહી થઈ
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીની મુંબઈની બૅસ્ટિયન રેસ્ટોરાં પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગઈ કાલે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બૅન્ગલોરમાં આવેલી આ જ નામની રેસ્ટોરાં સામે પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હોવાના રિપોર્ટ્સ પણ સામે આવ્યા હતા. બૅન્ગલોરની રેસ્ટોરાં પર ટાઇમિંગ અને લેટ નાઇટ પાર્ટીઝના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આ કેસમાં એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ ફરિયાદમાં કલમ ૪૨૦ ઉમેરવામાં આવી છે. જોકે શિલ્પા શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે મીડિયામાં ફરી રહેલા પાયાવિહોણા આરોપોને અમે નકારી કાઢીએ છીએ, આ બાબત અત્યારે કોર્ટમાં છે અને અમને ન્યાય-વ્યવસ્થા પર પૂરો ભરોસો છે, અમે તપાસ-એજન્સી સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યાં છીએ.


