થાણે સ્ટેશન બ્રિજ પર શિવશાહી બસ બળીને ખાખ, ડ્રાઇવરની સતર્કતાથી તમામ ૧૭ લોકોનો આબાદ બચાવ
એન્જિન પાસે આગ લાગવાને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની શિવશાહી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. થોડું બળી ગયેલું દાગીનાનું પાઉચ સહીસલામત મળી આવતાં મહિલા પ્રવાસીના ચહેરા પર ખુશી પ્રસરી ગઈ હતી.
થાણે રેલવે-સ્ટેશન નજીક સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ (SATIS) બ્રિજ પર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની વસઈ ડેપોની શિવશાહી બસ પુણેના સ્વારગેટથી બોઇસર જઈ રહી હતી. એ બસ થાણે સ્ટેશન સામેના બ્રિજ પરના એના સ્ટૉપ પર આવી ત્યારે બપોરે ૧.૩૦ વાગ્યે એમાં આગ લાગી હતી. બસના તમામ ૧૪ પ્રવાસીઓ ઉપરાંત કન્ડક્ટર, ડ્રાઇવર અને MSRTCના એક કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. સાથે જ ફાયર-બ્રિગેડની મદદથી એક મહિલા પ્રવાસીના બળી ગયેલા સામાનમાંથી સાડાત્રણ તોલા સોનું સહીસલામત મળી આવ્યું હતું.
MSRTCની લક્ઝરી શિવશાહી બસમાં આગ લાગ્યા બાદ ઊંચી જ્વાળાઓ અને એમાંથી નીકળતો કાળો ધુમાડો દૂરથી દેખાતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. એ બ્રિજ પર થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (TMT) અને સ્ટેટ ટ્રાન્સપોર્ટનાં બસ-સ્ટૉપ પણ છે. આગ લાગવાને કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક અટકાવી દેવાયો હતો. ફાયર-બ્રિગેડના ઑપરેશન બાદ આગ ઓલવાઈ હતી, પણ આખી બસ બળીને રાખ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
બસ-ડ્રાઇવરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘આગ લાગી ત્યારે બસમાં ૧૪ પ્રવાસીઓ, એક ST કર્મચારી, ડ્રાઇવર અને કન્ડક્ટર હતા. મેં એન્જિનમાં ધુમાડો જોયો અને તરત જ બધાને ચેતવી દેતાં બધા પ્રવાસીઓ તરત બસમાંથી ઊતરી ગયા હતા અને દૂર ઊભા રહી ગયા હતા. એ પછી થોડી જ ક્ષણોમાં આખી બસ આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી.’
આગ લાગી એ બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પ્રવાસીના સામાનમાં તેનું સોનાના દાગીના ભરેલું પાઉચ હતું. આગ ઓલવ્યા બાદ કેટલોક અડધોપડધો બળેલો સામાન ફાયર-બ્રિગેડના પાણીના મારામાં ભીંજાઈ ગયો હતો છતાં ફાયર-બ્રિગેડે મહિલાની મદદ કરીને તેનો સામાન શોધી આપ્યો હતો. મહિલાની બળી ગયેલી બૅગમાંથી એક પાઉચ મળ્યું હતું અને એમાં મૂકેલા બૉક્સમાં તેની સોનાની બુટ્ટી અને અન્ય દાગીના સહીસલામત મળી આવતાં તેના ચહેરા પર આનંદ પ્રસરી ગયો હતો.
