કચ્છના ડોણ ગામના દામજી ગોગરી અને તેમની પુત્રી ભાવના જૈનના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
દામજી ડુંગરશી ગોગરી ભાવના ભરત જૈન, દામજી ડુંગરશી ગોગરી ભાવના ભરત જૈન
બોરીવલી-ઈસ્ટમાં રવિવારે પપ્પાના મૃત્યુના આઘાતમાં તેમની એકની એક પુત્રીએ પણ કલાકોમાં જ દેહ છોડી દીધો હતો. ગઈ કાલે બોરીવલી-ઈસ્ટની હિન્દુ સ્મશાનભૂમિમાં પિતા અને પુત્રીના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ બનાવથી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો.
બનાવ એવો બન્યો હતો કે કચ્છના મૂળ ડોણ ગામના ૮૪ વર્ષના દામજી ડુંગરશી ગોગરી છેલ્લાં દસ વર્ષથી કંપવાના રોગગ્રસ્ત હતા. તેમની તબિયત વધુ બગડતાં રવિવારે સવારે ૭ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતાં દોઢ વર્ષ પહેલાં જ બોરીવલીથી થાણે શિફ્ટ થયેલી તેમની ૫૪ વર્ષની પુત્રી ભાવના જૈન પિતાનાં અંતિમ દર્શન કરવા આવી હતી. પિતાનાં અંતિમ દર્શન કર્યા પછી તેની તબિયત લથડી હતી અને તેણે રવિવારે સાંજના પોણાછ વાગ્યે દેહ છોડી દીધો હતો. ભાવનાબહેન તેમના બે ભાઈઓ હિરેન અને પરાગનાં એકનાં એક બહેન હતાં. તેનો પુત્ર નવી મુંબઈના ઐરોલીમાં એન્જિનિયરિંગનું ભણતો હોવાથી તેને આવવા-જવામાં તકલીફ ઓછી પડે એટલા માટે ભાવનાબહેન થાણે શિફ્ટ થયાં હતાં. જોકે ભાવનાબહેનનો પુત્ર હવે સિવિલ એન્જિનિયર બની ગયો છે અને અત્યારે તે પુણેમાં એન્જિનયરિંગમાં માસ્ટર્સ કરવા ગયો છે.
ADVERTISEMENT
ભાવના જૈન વરસીતપ (એક વર્ષ સુધી એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરવાનું હોય છે જેમાં વચ્ચે-વચ્ચે બે ઉપવાસ પણ કરવાના આવતા હોય છે)ને લીધે તબિયત નાદુરસ્ત હોવા છતાં પિતાનાં અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર માટે થાણેથી બોરીવલી આવ્યાં હતાં.
આ બાબતની માહિતી આપતાં કચ્છના નાંગલપુર ગામના ભાવનાબહેનના પતિ ભરત જૈન (ગંગર)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા સસરા દામજીભાઈ કંપવાના રોગગ્રસ્ત હોવા છતાં રોજ બોરીવલીથી ગ્રાન્ટ રોડ લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને સાઉથ મુંબઈના કુંભારવાડામાં આવેલી અનાજની દુકાને રેગ્યુલર જતા હતા. તેઓ ખૂબ જ ધર્મિષ્ઠ હતા. તેઓ બીમાર હોવા છતાં દુકાનમાં ઊભા રહીને કામ કરતા હતા. તેમના મોટા ભાઈ (હાલમાં થાણેના કાસરવડવલીમાં ચાતુર્માસ માટે બિરાજમાન મુનિ વિશ્વાનંદવિજયજી મહારાજસાહેબ)એ ૬૭ વર્ષ પહેલાં જૈનાચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયમાં દીક્ષા લીધી છે. મારાં સાસુ ચંચળબહેન પણ ખૂબ જ ધર્મમય છે. મારા સસરાની થોડા સમયથી તબિયત વધારે ખરાબ રહેતી હતી અને તેમનું રવિવારે સવારે મૃત્યુ થયું હતું. આ સમાચાર મારી પત્ની ભાવનાને મળતાં તે પિતાનાં અંતિમ દર્શન કરવા બોરીવલી આવી હતી. પિતાનાં અંતિમ દર્શન કર્યા બાદ ભાવના તરત જ આઘાતમાં સરી પડી હતી.’
ભાવનાબહેનની તબિયત અને તેમના મૃત્યુની માહિતી આપતાં તેમના કઝિન બ્રધર કમલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવનાબહેન છેલ્લાં ૨૫ વર્ષથી મસ્ક્યુલર ડિસ્ટ્રૉફીથી પીડાતાં હતાં. આમ છતાં તેઓ એની સામે હિંમતભેર લડી રહ્યાં હતાં. મારા બનેવી ભરતભાઈ તેમની ખૂબ જ સેવા કરતા હતા. ભાવનાબહેનને જ્યારે તપમાં જમવાનું આવે ત્યારે ભરતભાઈ તેમના માટે પારણાની રસોઈ બનાવી આપતા હતા. તેમણે તેમની સેવા કરવા માટે પાંચ વર્ષથી તેમનાં બધાં જ કામોમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ભાવનાબહેનને દર્દ હોવા છતાં તેઓ છેલ્લાં દસ વર્ષથી સતત અમારા જૈનોના વરસીતપની તપશ્ચર્યા કરતાં હતાં. થોડા દિવસથી તેમને ગળામાં ઇન્ફેક્શન થયું હતું, પણ તેઓ ધર્મમય હોવાથી ઈશ્વર ભરોસે તેમની તપ-આરાધના કરતાં હતાં. બન્ને જણે તેમના પુત્રને ભણાવવા માટે રાત-દિવસ એક કરી દીધાં છે. ભાવનાબહેન મારા મામાના મૃત્યુ પછી મન મૂકીને રડી શક્યાં નહોતાં. આથી લાગે છે કે તેમને છાતીમાં ડૂમો ભરાઈ ગયો હશે. આમ પણ મારા મામાને ભાવનાબહેન સાથે ખૂબ જ અટૅચમેન્ટ હતું. આથી જ ભાવનાબહેન મારા મામાની સાથે અરિહંતશરણ પામી ગયાં. અમે ગઈ કાલે બન્નેની અંતિમ વિદાય અને અંતિમ સંસ્કાર સાથે કર્યા હતા.’