ગઈ કાલે સિદ્ધાંત કપૂરે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં જઈને તેનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું
સિદ્ધાંત કપૂર
ઘાટકોપર ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ દ્વારા ચાલી રહેલી ડ્રગ્સ-કેસની તપાસમાં ફિલ્મ-ઍક્ટર શક્તિ કપૂરના દીકરા અને શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનું નામ બહાર આવતાં પોલીસે તેને સમન્સ મોકલીને સ્ટેટમેન્ટ નોંધાવવા કહ્યું હતું. ગઈ કાલે સિદ્ધાંત કપૂરે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં જઈને તેનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું. આ જ કેસમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવતરામાણી ઉર્ફે ઓરીને આજે સ્ટેટમેન્ટ નોંધાવવા બોલાવવામાં આવ્યો છે.
ઑન્ટિ-નાર્કોટિક્સ સેલ દ્વારા ૨૫૨ કરોડ રૂપિયાના ડ્રગ્સ-કેસની તપાસમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સથી પકડીને ભારત લાવવામાં આવેલા મોહમ્મદ સલીમ મોહમ્મદ સુલેહ શેખ ઉર્ફે ‘લૅવિશ’ની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે ભારત અને વિદેશમાં રેવ પાર્ટીનું મોટા પાયે આયોજન કરતો હતો અને એમાં ફિલ્મજગત અને ફૅશન-ઇન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ તેમ જ પૉલિટિશ્યનો અને દાઉદ ઇબ્રાહિમનો ભત્રીજો પણ હાજરી આપતો હતો. લૅવિશની પૂછપરછમાં સિદ્ધાંત કપૂર અને ઓરીનું નામ બહાર આવ્યું હતું. આ પહેલાં સિદ્ધાંત કપૂર ૨૦૨૨માં બૅન્ગલોરમાં ડ્રગ્સ લેતાં ઝડપાયો હતો.


