ઑપરેટિંગ સિસ્ટમમાં ખામી સર્જાવાથી આખા કૉરિડોરની ટ્રેનો ૧૦ મિનિટ મોડી પડી
સવારે ૧૦.૩૦ વાગ્યે મેટ્રો 3ની એક રેક સિદ્ધિવિનાયક સ્ટેશનથી થોડે દૂર બંધ થઈ ગઈ હતી
મુંબઈની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં મંગળવારે સવારે એક મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે ટ્રેન સિદ્ધિવિનાયક સ્ટેશન નજીક ટનલમાં અચાનક અટકી ગઈ હતી. સવારનો સમય હોવાથી મુસાફરોને અગવડ પડી હતી, પણ કોઈ મોટું જોખમ ઊભું થયું નહોતું. મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સવારે ૧૦.૩૦ વાગ્યે મેટ્રો 3ની એક રેક સિદ્ધિવિનાયક સ્ટેશનથી થોડે દૂર બંધ થઈ ગઈ હતી. ટેક્નિકલ કારણોસર મેટ્રો આગળ વધી શકી નહોતી, જેને પગલે આ કૉરિડોર પર ચાલતી બીજી ટ્રેનોનાં શેડ્યુલ પણ ખોરવાયાં હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર મેટ્રોની ઑપરેટિંગ સિસ્ટમમાં અચાનક ખામી સર્જાઈ હતી, જેને કારણે સાવચેતીનાં પગલાં તરીકે ટ્રેનને ટનલની અંદર રોકવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
૧૦ મિનિટ બાદ સમસ્યા ઉકેલાતાં ટ્રેન શરૂ થઈ હતી, પરંતુ આ બનાવ બાદ આરેથી કફ પરેડ વચ્ચે આખા કૉરિડોરની ટ્રેનો પાંચથી ૧૦ મિનિટ મોડી પડી હતી. મેટ્રો 3ના સંચાલક મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)ની એન્જિનિયરિંગ અને ટેક્નિકલ ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું હતું. એની સાથે જ અટકેલી ટ્રેનની અંદરના મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નજીકના સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા.


