જો તમે વેરિફિકેશન નહીં કરાવો તો શું નુકસાન થશે જેવા દરેક સવાલના જવાબ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
૮ ઑગસ્ટ સુધી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં નોંધણીની ડેડલાઇન લંબાવાઈ છે ત્યારે SIR છે શું, એની જરૂરિયાત કેમ ઊભી થઈ, તમારે એમાં શું કરવાનું છે, ઑનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે શક્ય છે અને જો તમે વેરિફિકેશન નહીં કરાવો તો શું નુકસાન થશે જેવા દરેક સવાલના જવાબ જાણી લો
રુચિતા શાહ
ADVERTISEMENT
feedbackgmd@mid-day.com
સામાન્ય રીતે ચૂંટણીપંચ દર વર્ષે પોતાની પાસે આવતી અરજીઓ અને જૂના નામના આધારે મતદારયાદી અપડેટ કરતું હોય છે જેને ‘સમરી રિવિઝન’ કહેવાય છે, પરંતુ એમાં ઘણી વાર મોટી ખામીઓ રહી જતી હતી. જેમ કે મૃત્યુ પામેલા લોકોનાં નામ વર્ષો સુધી લિસ્ટમાં પડ્યાં રહેતાં અને સ્થળાંતર કરનારા લોકોનાં ડુપ્લિકેટ નામ પણ લિસ્ટમાં અકબંધ રહેતાં. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ૨૦૨૧-’૨૨માં ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયાએ કાયદામાં સુધારો કરવાની સાથે વોટર ID કાર્ડને આધાર કાર્ડ સાથે જોડીને ડુપ્લિકેટ નામો હટાવવાની દિશામાં કામ શરૂ કર્યું. એની સાથે જ બૂથ લેવલ ઑફિસર્સ (BLO) માટે ખાસ ઍપ બનાવવામાં આવી જેથી ગ્રાઉન્ડ પરથી લાઇવ ડેટા વેરિફિકેશન થઈ શકે. આમાંથી જ જન્મ થયો સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનનો. આ અભિયાનમાં અધિકારીઓ તેમની પાસે રહેલા લિસ્ટના આધારે લોકોના ઘરે-ઘરે જઈને તપાસ કરીને ફૉર્મ ભરાવે છે અને વેરિફિકેશન કરીને મતદારયાદીમાં નામ ઉમેરે છે. લિસ્ટમાં નામ ન હોય એવા લોકો પણ ફૉર્મ ભરીને અને જરૂરી ડૉક્યુમેન્ટ આપીને પોતાના નામની નોંધણી કરાવી શકે છે. મે-જૂન ૨૦૨૬થી તબક્કાવાર શરૂ કરવામાં આવેલા આ દેશવ્યાપી અભિયાનની મહારાષ્ટ્રમાં પહેલી જુલાઈથી શરૂઆત થઈ ગઈ છે અને ૨૯ જુલાઈ સુધીની ડેડલાઇનને વધારીને ૮ ઑગસ્ટ કરવામાં આવી છે ત્યારે મતદારનો અધિકાર ધરાવતી દરેકેદરેક વ્યક્તિ સાથે સંકળાયેલી આ પ્રક્રિયા વિશે એ-ટુ-ઝેડ બધું પ્રસ્તુત છે.
જરૂરી શું કામ?
ભૂતકાળની ચૂંટણીઓમાં એવા હજારો કિસ્સા બન્યા છે જ્યાં નાગરિકો ખૂબ ઉત્સાહથી વોટ આપવા ગયા પણ લિસ્ટમાંથી નામ ગાયબ હોવાને કારણે નિરાશ થઈને પાછા ફરવું પડ્યું. કેટલાંક ઠેકાણે મૃત્યુ પામેલા લોકોના નામે પણ મત અપાયા હોય તો ક્યાંક વળી એવા પણ કિસ્સા બન્યા જેમાં બે-બે વોટર ID કાર્ડ બની ગયાં. આ તમામ કન્ફ્યુઝનને હટાવવા તથા મતદાનની પ્રોસીજર પ્રામાણિક અને પારદર્શી રાખવાના ધ્યેય સાથે SIR અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એ અંતર્ગત અત્યારે BLO મુંબઈમાં દરેક ઠેકાણે વ્યક્તિગત જઈને ૨૦૦૨ની મતદારયાદીના આધારે વ્યક્તિનાં નામ મુખ્ય મતદારયાદીમાં અપડેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે. ધારો કે કોઈ વ્યક્તિનું સરનામું બદલાયું હોય, નામ બદલાયું હોય, કોઈ વ્યક્તિ ગુજરી ગઈ હોય અથવા કોઈ વ્યક્તિ હવે મત આપવા માટે એલિજિબલ બની હોય એ બધા જ પ્રકારના લોકોનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન થઈ રહ્યું છે.
૨૦૦૨ની મતદારયાદીમાં નામ
અત્યારે BLO મુખ્ય દસ્તાવેજ તરીકે ૨૦૦૨ની મતદારયાદીને રેફરન્સ તરીકે ઉપયોગમાં લઈ રહ્યા છે ત્યારે જો તમારું નામ એમાં નથી તો શું? એનો જવાબ આપતાં મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી-અધિકારી એસ. ચોકલિંગમ કહે છે, ‘SIR એ કોઈ વ્યક્તિના ઓળખના દસ્તાવેજો પર સવાલ ઉઠાવવા માટે નથી પરંતુ બંધારણીય જરૂરિયાતો અનુસાર મતદારયાદીને અપડેટ કરવા માટે છે. તમારું નામ ૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તો તમારા પેરન્ટ્સનો ડેટા આપી શકો. ધારો કે મતદારો છેલ્લી SIRની મતદારયાદીમાં પોતાનું અથવા તેમનાં માતા-પિતામાંથી કોઈ એકનું નામ ન શોધી શકે તો લોકોએ અત્યારે માત્ર તેમની અંગત વિગતો સાથેનું ગણતરીપત્રક એટલે કે Enumeration Form ભરવાનું રહેશે. સપોર્ટિવ ડૉક્યુમેન્ટ્સ પહેલો રફ ડ્રાફ્ટ જાહેર થયા પછીની વિન્ડો દરમ્યાન સબમિટ કરી શકાય છે જે બે મહિનાથી વધુ સમય સુધીનો છે. છેલ્લા SIR સાથે મૅપિંગ કરવાનો હેતુ મુશ્કેલીઓ ઘટાડવાનો છે, વધારવાનો નહીં કારણ કે મૅપ થયેલા મતદારો માટે કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી.’
જોકે અહીં સંપૂર્ણ પ્રોસીજર ડિજિટલ હોવાથી પણ લોકોને ઘણી ટેક્નિકલ તકલીફ (ટેક્નિકલ ખામી)નો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડ અને વોટર ID કાર્ડમાં નામમાં ફરક હોય તો સિસ્ટમમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ અટકી પડે છે.
પેરન્ટ્સનો ડેટા નથી તો?
બીજી એક વાત કે જો તમારા પેરન્ટ્સના વોટર ID કાર્ડની વિગતો ન હોય તો તમે રજિસ્ટર કરાવી શકો? જવાબ છે હા. જેમની ઉંમર ૧૮ વર્ષ કે એથી વધુ છે અને જેઓ ભારતના નાગરિક છે તેઓ પોતાના નામની નોંધણી કરાવી શકે છે. એના માટે તમારે ઇલેક્શન કમિશનના ઑફિશ્યલ પોર્ટલ કે ઍપ પર જઈને સ્વતંત્ર રીતે Form 6 ભરવાનું રહેશે. ફૉર્મ સાથે ઉંમર અને સરનામાના પુરાવા આપવાના રહેશે. વધુ વિગત માટે BLOનો સંપર્ક કરો.
રીડેવલપમેન્ટમાં હોય તો?
આજે ઑલમોસ્ટ આખું મુંબઈ રીડેવલપમેન્ટના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જે અંતર્ગત સેંકડો હાઉસિંગ સોસાયટીઓ તોડી પાડવામાં આવી છે. ત્યાંના રહેવાસીઓ બેથી ૩ વર્ષ માટે કામચલાઉ ધોરણે મુંબઈના અન્ય વિસ્તારોમાં કે ભાડાનાં મકાનોમાં શિફ્ટ થઈ ગયા છે. ચૂંટણીપંચના BLO તમારી જૂની સોસાયટીના સરનામે વેરિફિકેશન માટે ફૉર્મ લઈને જાય છે ત્યારે ત્યાં તેમને તમારા બદલે માત્ર લોખંડનાં પતરાં, સિમેન્ટના પિલર અને કાટમાળ જોવા મળે છે. પરિણામે સરકારી ચોપડે તમારા નામની આગળ ‘શિફ્ટેડ’ અથવા ‘નૉન-એક્ઝિસ્ટન્ટ’નો સિક્કો લાગી જાય છે અને તમારું નામ મતદારયાદીમાંથી ડિલીટ કરી દેવામાં આવે છે. આ પણ એક બહુ મોટો પડકાર છે જેનો અત્યારે લોકો સામનો કરી રહ્યા છે. આના માટે પણ તમે BLO પાસે જઈને તમારા ભાડાના મકાનનાં પ્રૂફ સામેથી સબમિટ કરી શકો છો.
જો નામ ન હોય તો
તમારા વિસ્તારના BLOનો રૂબરૂ સંપર્ક કરો. તેમને જણાવો કે તમારો જૂનો રેકૉર્ડ મળતો નથી એટલે તેઓ તમને Enumeration Form આપશે. એમાં આધાર કાર્ડ જોડીને ફૉર્મ જમા કરાવો અને સહીસિક્કાવાળી પાવતી અચૂક મેળવી લો. આ જ પ્રોસેસ તમે ઑનલાઇન પણ કરી શકો છો. જોકે એમાં તમને તમારા જૂના વોટર ID કાર્ડનો નંબર અચૂક જોઈશે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
વોટર ID કાર્ડ લાઇફટાઇમ કાર્ડ નથી : એ ભ્રમમાંથી બહાર આવી જાઓ કે એક વાર વોટર ID કાર્ડ બની ગયું એટલે સરનામું ગમે એ બદલાય વોટ આપી શકાશે. રહેઠાણ બદલાય એટલે ચૂંટણીપંચને જાણ કરવી કાનૂની અને નૈતિક રીતે ફરજિયાત છે.
BLO ઘરે આવે તો : જો તમારા ઘરે કોઈ અધિકારી વેરિફિકેશન માટે આવે તો તેમને સાચી માહિતી આપો. જો તમે ભાડાના મકાનમાં છો તો એની વિગત આપો. ફૉર્મ ભર્યા પછી એની સહીવાળી પાવતી લેવાનું ક્યારેય ન ભૂલો.
ડિજિટલ રજિસ્ટ્રેશન : જો તમારી સોસાયટી રીડેવલપમેન્ટમાં ગઈ છે તો અધિકારી તમારા સુધી પહોંચે એની રાહ ન જુઓ. આજે જ ચૂંટણીપંચના સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in પર જાઓ અથવા Voter Helpline ઍપ ડાઉનલોડ કરો, તમારું નામ ચેક કરો અને જો તમે શિફ્ટ થયા હો તો નવા સરનામા માટે ફૉર્મ ભરો.
ઑૅનલાઇન ફૉર્મ ભરવાના હો તો...
જો તમારા ઘરે હજી સુધી કોઈ BLO આવ્યા નથી અથવા તમે રીડેવલપમેન્ટના કારણે શિફ્ટ થયા છો તો તમે ઘેરબેઠાં ઑનલાઇન પ્રક્રિયા કરી શકો છો:
ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જાઓ અથવા ગૂગલ પ્લેસ્ટોર પરથી Voter Helpline અથવા ECINET નામની ઍપ ડાઉનલોડ કરો.
તમારા મોબાઇલ-નંબર દ્વારા વન ટાઇમ પાસવર્ડ (OTP) મેળવીને પોર્ટલ પર એક નવું અકાઉન્ટ બનાવો અને જો અકાઉન્ટ બનાવી દીધું હોય તો લૉગ-ઇન કરો.
જો તમે પહેલી વાર નામ નોંધાવી રહ્યાાં છો અથવા ૨૦૨૬ની પહેલી ઑક્ટોબર સુધીમાં ૧૮ વર્ષના થવાના છો તો Form 6 ભરો અને જો તમે સરનામું બદલ્યું છે અથવા નામ-સરનામામાં સુધારો કરવો છે તો Form 8 પસંદ કરો.
તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉંમરના પુરાવા માટે આધાર
કાર્ડ / પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડ વગેરે અને તમારા વર્તમાન રહેઠાણના પુરાવા માટે લાઇટ બિલ અથવા રેન્ટલ ઍગ્રીમેન્ટ વગેરેને સ્કૅન કરીને અપલોડ કરો.
ફૉર્મ સબમિટ કર્યા પછી તમને એક Reference ID મળશે. આ ID દ્વારા તમે તમારા ફૉર્મનું સ્ટેટસ ઑનલાઇન ટ્રૅક કરી શકશો.
ટાઇમટેબલ જાણી લો
પ્રક્રિયા છેલ્લી તારીખ
બૂથ લેવલ ઑફિસર દ્વારા
ઘરે-ઘરે વેરિફિકેશન ૮ ઑગસ્ટ ૨૦૨૬ સુધી
મતદારયાદીનો પહેલો ડ્રાફ્ટ પ્રસિદ્ધ થશે ૧૭ ઑગસ્ટ ૨૦૨૬ના રોજ
કરેક્શન કરવા મળશે ૧૭ ઑગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધી
ફાઇનલ મતદારયાદીની જાહેરાત થશે ૧૯ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ
ટાઇમટેબલ જાણી લો
પ્રક્રિયા છેલ્લી તારીખ
બૂથ લેવલ ઑફિસર દ્વારા
ઘરે-ઘરે વેરિફિકેશન ૮ ઑગસ્ટ ૨૦૨૬ સુધી
મતદારયાદીનો પહેલો ડ્રાફ્ટ પ્રસિદ્ધ થશે ૧૭ ઑગસ્ટ ૨૦૨૬ના રોજ
કરેક્શન કરવા મળશે ૧૭ ઑગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર સુધી
ફાઇનલ મતદારયાદીની જાહેરાત થશે ૧૯ ઑક્ટોબર ૨૦૨૬ના રોજ
ડેડલાઇન ચૂકી ગયા તો?
ચૂંટણીપંચનું ઑનલાઇન પોર્ટલ આખું વર્ષ ચાલુ રહે છે. તમે ગમે ત્યારે Form 6 ભરીને તમારું નામ રજિસ્ટર કરાવી શકો છો.
