૧૦૦ વર્ષની ઉંમરે પણ સક્રિય આ આર્ટિસ્ટે અત્યાર સુધીમાં ૭૫,૦૦૦થી વધુ શિલ્પ-મૂર્તિ બનાવ્યાં છે
રામ સુતાર
વિશ્વમાં ભારતનું માથું શાનથી ઊંચું કરનારું ગુજરાતનું સ્ટૅચ્યુ ઑફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું ૧૮૨ મીટર ઊંચું સ્ટૅચ્યુ બનાવનારા મહારાષ્ટ્રના જાણીતા શિલ્પકાર રામ સુતારને વર્ષ ૨૦૨૪ માટે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કરી હતી. ૧૦૦ વર્ષની ઉંમરે પણ સક્રિય શિલ્પકાર રામ સુતારને પચીસ લાખ રૂપિયા કૅશ, માનપત્ર અને શાલ આપીને સન્માનિત કરવામાં આવશે. કોંકણના રાજકોટ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું અને મુંબઈની ચૈત્યભૂમિમાં તૈયાર કરવામાં આવી રહેલું ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટેનું પૂતળું રામ સુતાર જ બનાવી રહ્યા છે.
૧૯૨૫ની ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના ધુળેમાં આવેલા ગોંડુર નામના ગામમાં ગરીબ કુટુંબમાં શિલ્પકાર રામ સુતારનો જન્મ થયો હતો. તેમણે મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં શિક્ષણ મેળવ્યું હતું. ૧૯૬૦માં તેમણે સ્વતંત્ર આર્ટ સ્ટુડિયોની સ્થાપના કરી હતી અને અત્યાર સુધી દેશ-વિદેશના મહાનુભાવોનાં ૭૫,૦૦૦થી વધુ સ્ટૅચ્યુ બનાવ્યાં છે.

