બે મહિનામાં ૨૭,૪૫૫ ગ્રાહકોની લાઇટનાં કનેક્શન કપાયાં
થાણેના કોપરી વિસ્તારમાં MSEDCLના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી
મુલુંડ અને થાણે વિસ્તારમાં વીજબિલ ન ભરનારા ગ્રાહકો સામે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL) દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૨૦૨૫-’૨૬ના આર્થિક વર્ષની સમાપ્તિ નજીક હોવા છતાં મોટી સંખ્યામાં ગ્રાહકો દ્વારા વીજબિલની બાકી રકમ ભરવામાં આવી નહોતી. પરિણામે ભાંડુપ પરિમંડળ હેઠળ ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૬ દરમ્યાન કુલ ૨૭,૪૫૫ લોકોના વીજપુરવઠા કાપી નાખવામાં આવ્યા છે. MSEDCLના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમિત વીજસેવા જાળવવા માટે ગ્રાહકોનો સહકાર અત્યંત જરૂરી છે.
MSEDCLના ભાંડુપ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય એન્જિનિયર સંજય પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભાંડુપ પરિમંડળમાં બાકી વીજબિલની વસૂલાત માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગ્રાહકોને મોબાઇલ મેસેજ, નોટિસ અને અન્ય માધ્યમોથી વારંવાર યાદ અપાવ્યા છતાં અનેક ગ્રાહકો દ્વારા ચુકવણી કરવામાં આવી નહોતી. એથી વિભાગીય તેમ જ શાખા કચેરીઓને સૂચના આપીને તાત્કાલિક વીજજોડાણ ખંડિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ પગલાનો મુખ્ય હેતુ બાકી વસૂલાત વધારવાનો અને નિયમિત ચુકવણી માટે જાગૃતિ લાવવાનો છે. MSEDCLના કર્મચારીઓ ઉનાળો, ઠંડી, વરસાદ અથવા અન્ય આપત્તિ દરમિયાન પણ ૨૪ કલાક સેવા આપવા પ્રતિબદ્ધ રહે છે. સતત અને ગુણવત્તાસભર વીજપુરવઠો જાળવવા માટે જરૂરી છે કે ગ્રાહકો સમયસર બિલની ચુકવણી કરે. વીજપુરવઠાની વ્યવસ્થા જાળવવા માટે આવક જરૂરી છે અને વધે તો સેવા પર અસર પડી શકે છે. એથી ૧૦૦ ટકા વસૂલાત હાંસલ કરવા માટે અમે નિયમિત સમીક્ષા કરી રહ્યા છીએ.’
