આદરણીય અજિતદાદાના લોકલક્ષી વારસાને આગળ ધપાવીને કર્તવ્યની ભાવના સાથે મહારાષ્ટ્રની સેવા કરવા તૈયાર
સુનેત્રા અજિત પવાર
આજે મહારાષ્ટ્ર રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતી વખતે મારું હૃદય ખૂબ જ ભાવુક છે. આદરણીય અજિતદાદાએ જીવનભર ખેડૂતો, મજૂરો, મહિલાઓ, યુવાનો અને સમાજના વંચિત વર્ગો માટે જીવવાનો મંત્ર આપ્યો. તેમના વિચારો અને કાર્યના વારસાને આગળ ધપાવતાં હું ‘શિવ-શાહુ-ફુલે-આંબેડકર’ના વિચારો પ્રત્યે વફાદારી રાખીને, ફરજની ભાવના સાથે આ જવાબદારી સ્વીકારી રહી છું.
દાદાના અકાળ અવસાનથી મારા અંગત જીવનમાં જ નહીં, સમગ્ર મહારાષ્ટ્રના હૃદયમાં દુઃખનો મોટો પહાડ આવ્યો છે. જોકે ફરજ પ્રત્યેની વફાદારી, સંઘર્ષની શક્તિ અને તેમણે આપેલી લોકો પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતા મારો સાચો ટેકો છે. આજે આ પ્રસંગે હું તમને વિશ્વાસ આપું છું કે હું તેમના સપનાનું ન્યાયી, સમાન અને વિકસિત મહારાષ્ટ્ર બનાવવા માટે અતૂટ પ્રામાણિકતા, પારદર્શિતા અને રાજ્યની જનતાને લક્ષમાં રાખીને કામ કરવાનું ચાલુ રાખીશ.
ADVERTISEMENT
આ મુશ્કેલ સમયમાં મહારાષ્ટ્રના લોકો દ્વારા આપવામાં આવેલો પ્રેમ, વિશ્વાસ અને સમર્થન મારી સૌથી મોટી તાકાત છે. મારી શ્રદ્ધાના બળ પર હું દાદાના વિચારોને નવી આશા અને નવી ઊર્જા સાથે આગળ ધપાવતી રહીશ. મારી ટોચની પ્રાથમિકતા ખેડૂતોના કલ્યાણ માટે, યુવાનોની તકો માટે, મહિલાઓના સશક્તીકરણ માટે અને સામાન્ય માણસના જીવનધોરણમાં સુધારો કરવા માટે સરકારની દરેક યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવાની રહેશે.
રાજ્ય સરકાર દેશના વડા પ્રધાન માનનીય નરેન્દ્ર મોદીસાહેબના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના ખ્યાલને મજબૂત કરવા અને દેશના માનનીય ગૃહ અને સહકારપ્રધાન માનનીય અમિત શાહસાહેબના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસને પ્રાપ્ત કરવા માટે હંમેશાં તૈયાર રહેશે. ઉપરાંત આપણે બધા નવા મહારાષ્ટ્રના શિલ્પી સ્વ. યશવંતરાવ ચવાણસાહેબના વિચારોના વારસાને ખૂબ જ નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવાની જવાબદારી નિભાવીશું.
મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્ય પ્રધાન દેવેન્દ્રજી ફડણવીસસાહેબના નેતૃત્વમાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથજી શિંદેસાહેબ સાથે હું હંમેશાં મહારાષ્ટ્રના સર્વાંગી વિકાસ, સામાજિક સમાનતા, આર્થિક પ્રગતિ અને સર્વાંગી સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીશ. મારો સંકલ્પ લોકોની અપેક્ષાઓ સાથે ન્યાય કરવાનો, સરકાર અને વહીવટને વધુ સંવેદનશીલ અને જનલક્ષી બનાવવાનો અને રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે.
ફરી એક વાર હું મહારાષ્ટ્રના લોકો અને મારા સાથીદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું વચન આપું છું કે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના મારા સાથીદારો દ્વારા મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને પાત્ર બનવા માટે હું મારી સંપૂર્ણ ક્ષમતા સુધી કામ કરીશ.
પ્રસંગ કઠણ હતો... : દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયામાં સુનેત્રા પવાર ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા બાદ પોસ્ટ લખીને કહ્યું હતું કે ‘પ્રસંગ કઠણ હતો, પણ જે ધીરજ સાથે શ્રીમતી સુનેત્રાભાભીએ મહારાષ્ટ્રના હિતનો નિર્ણય લીધો એ કૌતુકાસ્પદ અને સાહસભર્યો અને તેમની પ્રતિબદ્ધતાને દર્શાવનારો હતો. શુભેચ્છા આપવાનો આ પ્રસંગ નથી, પણ અજિતદાદાના વારસાને તેઓ સમર્થપણે ચલાવશે એવો મને વિશ્વાસ છે. રાજ્યને પહેલાં નાયબ મહિલા મુખ્ય પ્રધાન મળ્યાં છે. તેમની આ કારકિર્દી યશસ્વી રહેશે. ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિ સરકાર, આ કઠણ પ્રસંગે અમે અજિતદાદા પવારના કુટુંબીજનોની સાથે છીએ.’
નરેન્દ્ર મોદીની સુનેત્રા પવારને શુભેચ્છા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનેલાં સુનેત્રા પવારને સોશ્યલ મીડિયા દ્વારા શુભેચ્છા આપતી પોસ્ટમાં લખ્યું હતું કે ‘મહારાષ્ટ્રનાં નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યકાળ શરૂ કરવા બદલ સુનેત્રા પવારજીને શુભકામનાઓ. આ જવાબદારી સંભાળનાર તેઓ પ્રથમ મહિલા છે. મને વિશ્વાસ છે કે તેઓ રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાગ મહેનત કરશે અને સ્વર્ગસ્થ અજિતદાદા પવારના વિઝનને પૂરું કરશે.’


