૧૯૬૮થી મંદિરની સીડી પાસે ભાડે રહેતા જગન્નાથગિરિ મહારાજને ૪ વર્ષનો સમય આપવામાં આવ્યો
બાબુલનાથ મંદિરની ફાઇલ તસવીર
બાબુલનાથ મંદિરના પરિસરમાં ૧૯૬૮થી રહેતા ૭૫ વર્ષના સાધુને ૪ વર્ષમાં એ જગ્યા ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. બૉમ્બે હાઈ કોર્ટના આદેશને સમર્થન આપતાં સુપ્રીમ કોર્ટે જગન્નાથગિરિ જ્યાં સુધી મંદિર-પરિસરમાં રહેશે ત્યાં સુધી શાંતિથી કામ કરશે અને મંદિર-પરિસરના કામમાં કોઈ અવરોધ ઊભો નહીં કરે એવો નિર્દેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ આ રીતે કોઈ જગ્યા ખાલી કરાવવા માટે આટલો લાંબો સમય આપે એવું સામાન્ય રીતે બન્યું નથી, પરંતુ સંસારનો ત્યાગ કરીને આધ્યાત્મિક જીવન જીવી રહેલા મહારાજની ૭૫ વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને જગ્યા ખાલી કરવા માટે ૪ વર્ષ જેટલો લાંબો સમય આપ્યો છે.
ADVERTISEMENT
ગયા વર્ષે ૬ નવેમ્બરના હાઈ કોર્ટના આદેશ સામે જગન્નાથગિરિ મહારાજ દ્વારા દાખલ કરાયેલી અપીલને કોર્ટે ફગાવી દીધી હતી. ૧૯૨૭માં બાબા રામગિરિ મહારાજને મંદિરની મુખ્ય સીડીમાં વચ્ચે જે ખાંચો બનાવાયો છે ત્યાં જગ્યા ભાડે આપવામાં આવી હતી. આ જગ્યા ઘણી મોટી અને એ સમયે મુનશી હૉલ તરીકે ઓળખાતા હૉલની નીચે આવેલી હોવાથી ત્યાં ઝાઝું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું નથી. બાબા રામગિરિ મહારાજના અવસાન બાદ બાબા બ્રહ્માનંદજી મહારાજ અને ૧૯૬૮થી જગન્નાથગિરિ મહારાજ આ જગ્યામાં ભાડૂત તરીકે રહેતા હતા. જગ્યા ખાલી કરાવવા માટે સ્મૉલ કૉઝ કોર્ટ અને હાઈ કોર્ટના આદેશ બાદ અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.


